અમદાવાદ: ગોમતીપુરમાં નજીવી બાબતે થયેલી મારામારીમાં યુવકની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુરમાંથી હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોમતીપુરના ચારતોલા કબ્રસ્તાન નજીક મોડી રાત્રે થયેલી મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મજર અલી અંસારી નામના યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે અને ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સામાન્ય બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારોથી હુમલો
મળતી માહિતી અનુસાર, ગોમતીપુર ચારતોલા કબ્રસ્તાન નજીક આવેલા એક મેડિકલ સ્ટોરના સંચાલકો અને ભોગ બનનાર યુવક વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાયેલા શખસોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી દીધો હતો.
તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ યુવકે દમ તોડી દીધો હતો.
3માંથી 2 આરોપીઓ પોલીસ સિકંજામાં
આ ઘટના અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, 'રાત્રે મેડિકલ સ્ટોર પાસે થયેલી હત્યાની ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે, જેમાં ત્રણમાંથી બે આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મજર અલી અંસારીની મેડિકલ સ્ટોરવાળા અને મોહસીન સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત સામે આવી નથી. પોલીસના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ પર અગાઉ કોઈ ગુના નોંધાયેલા નથી, જ્યારે મૃતક મજર અલી અંસારી પર દારૂ અને મારામારીના મળીને કુલ 7થી 8 જેટલા ગુના દાખલ થયેલા છે.
મેડિકલ સ્ટોરની આડમાં નશાનો કાળો કારોબાર: મૃતકના સંબંધીનો ગંભીર આક્ષેપ
બીજી તરફ, મૃતકના સંબંધીએ મેડિકલ સ્ટોરના સંચાલકો સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'ચતુર સિંહ ચાર રસ્તા પાસે આવેલું આ મેડિકલ સ્ટોર માત્ર નામનું જ છે, ત્યાં કોરેક્સ સિરપ અને બે નંબરનો ગેરકાયદે નશાનો ધંધો ચાલે છે. તેઓ ત્યાં હંમેશા પાંચ-છ લુખ્ખા તત્વોને પાળીને રાખે છે. આ લોકોએ મારા ભાઈ પર પાછળથી તલવાર અને છરી વડે માથા તથા પેટના ભાગે ગંભીર હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે એક છરી તો તેના શરીરમાં જ તૂટી ગઈ હતી.'
મૃતકના પરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ પ્રશાસન સમક્ષ આ ગેરકાયદે પ્રવૃત્તિ કરતા મેડિકલ સ્ટોરને તાત્કાલિક બંધ કરાવવા અને તેનું લાયસન્સ રદ કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.









