Ahmedabad

'નરેશ ગોયલના કેસમાં તમારું પણ નામ છે...' કહી સાયબર ઠગે અમદાવાદના વૃદ્ધ પાસે 1.09 કરોડ પડાવ્યા

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના 73 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનું કહીને અને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને સાયબર ઠગોએ 1.09 કરોડ રૂપિયા પડાવી લીધા. CBI અધિકારી, TRAI પ્રતિનિધિ અને ફેક જજ બનીને ઠગાઈ આચરી હતી. ભદ્ર વિસ્તારના રમેશચંદ્ર બુંદેલાએ માર્ચથી જૂન દરમિયાન FD તોડાવીને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જમાઈને શંકા જતાં કૌભાંડનો પર્દાફાશ થયો. અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નરેશ ગોયલના કેસમાં તમારું પણ નામ છે...' કહી સાયબર ઠગે અમદાવાદના વૃદ્ધ પાસે 1.09 કરોડ પડાવ્યા

Ahmedabad Cyber Crime: મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનું કહીને અને ડિજિટલ અરેસ્ટનો ડર બતાવીને સાયબર ઠગોએ અમદાવાદના 73 વર્ષીય સિનિયર સિટીઝન પાસેથી 1.09 કરોડ રૂપિયા પડાવી લીધા છે. ઠગોએ પોતાની જાતને સીબીઆઈ (CBI) અધિકારી, ટ્રાય (TRAI)ના પ્રતિનિધિ અને ફેક જજ તરીકે ઓળખાવીને આ ઠગાઈ આચરી હતી. આ અંગે પીડિતે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

પોલીસ ફરિયાદ અનુસાર, અમદાવાદના ભદ્ર વિસ્તારમાં રહેતા અને વર્ષ 2014માં એલઆઈસી (LIC)માંથી નિવૃત્ત થયેલા 73 વર્ષીય રમેશચંદ્ર બુંદેલાને જાન્યુઆરી મહિનામાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ટ્રાય (TRAI)માંથી બોલતા હોવાનો દાવો કર્યો હતો અને જણાવ્યુ હતું કે મુંબઈમાં તેમના આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારબાદ કોલ સીબીઆઈ મુંબઈના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સંબંધિત નાણાકીય ગેરરીતિના કેસમાં તેમનું નામ હોવાનું કહીને ધમકાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ એપ્રિલ મહિનામાં ઠગોએ વીડિયો કોલ મારફતે રમેશચંદ્રનો સંપર્ક કર્યો હતો, જેમાં એક શખસ કોર્ટના જજના પહેરવેશમાં અને અન્ય વ્યક્તિ સરકારી વકીલના સ્વાંગમાં જોવા મળી હતી. જજ બનેલા ઠગે તેમને કસ્ટડીમાં લેવાની અને પરિવાર સામે કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. સાયબર ઠગોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નામે બનાવટી પત્ર મોકલીને ખાતાની રકમનું 'વેરિફિકેશન' કરવાના બહાને નાણાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. આ સાથે દીકરી પર હુમલો કરવાની ધમકી આપતાં વૃદ્ધ ગભરાઈ ગયા હતા.

માનસિક તણાવ અને ધમકીઓના ડરથી રમેશચંદ્રએ માર્ચથી જૂન મહિના દરમિયાન પોતાની, પોતાની દીકરીની અને ભાભીની એફડી (ફિક્સ ડિપોઝિટ) તોડાવીને તબક્કાવાર કુલ રૂ. 1,09,60,000 ઠગો દ્વારા આપવામાં આવેલા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

કેવી રીતે કૌભાંડનો ભાંડો ફુટ્યો

જ્યારે ઠગોએ વધુ નાણાંની માગણી કરી ત્યારે રમેશચંદ્રએ પોતાના જમાઈ પાસે 35 લાખ રૂપિયાની માગણી કરી હતી. જમાઈને આટલી મોટી રકમની તાકીદની માગણી પર શંકા જતાં તેણે સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી હતી અને આ રીતે કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો. ત્યારબાદ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં વપરાયેલા બેન્ક ખાતાઓ અને મોબાઈલ નંબરોના આધારે તપાસ શરૂ કરી છે.