અમદાવાદ: હિન્દુ મહિલાને પરણિત મુસ્લીમ યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા, પતિએ અંધારામાં રાખી ત્રીજા લગ્ન કરી તરછોડી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Domestic Violence Case: અમદાવાદમાં મહિલાને અંધારામાં રાખી પતિએ ત્રીજા લગ્ન કરી લેતા પીડિતાએ ન્યાય મેળવવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કોર્ટે પતિ ઝુબેર કુચેરાવાલા, અબુબકર કુચેરાવાલા, ફાતિમા અબુબકર, ઝુબેરની પ્રથમ પત્ની સના ઝુબેર અને બીજી પત્ની જસ્મીન ઝુબેર વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરી નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
માસિક વળતર પેટે દાદ માંગી
અમદાવાદ શહેરની હિન્દુ મહિલાએ ન્યાય મેળવવા ધારાશાસ્ત્રી મારફતે ઘીકાંટા સ્થિત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસા અને માસિક વળતર પેટે દાદ માંગી છે. કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, 14 વર્ષ પહેલા એટલે કે 12 ડિસેમ્બર 2012ના રોજ મોબાઈલ ફોન દ્વારા મહિલાની મુલાકાત ઝુબેર કુચેરાવાલા સાથે થઈ હતી અને થોડા જ દિવસોમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
પરિણિત ઝુબેરે મહિલાને જણાવ્યું હતું કે-
મારી પત્ની સના મને પસંદ નથી અને તેની સાથે મનમેળ રહેતો નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે નિકાહ કરવા માંગું છું. ઇસ્લામમાં ચાર લગ્ન થઈ શકે છે અને હું મારી પત્નીથી કંટાળી ગયો છું.
મહિલા હિન્દુ ધર્મની હોવાથી શરૂઆતમાં લગ્ન કરવાની ના પાડતી હતી. તેમ છતાં ઝુબેરે મહિલા પર ધર્મ પરિવર્તન કરી નિકાહ પઢવાનું દબાણ કર્યું હતું. જેથી 17 ડિસેમ્બર 2016ના રોજ જુહાપુરા વિસ્તારમાં એક કાઝી પાસે લઈ જઈને કલમા પઢાવીને મહિલાનું હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં કન્વર્ઝન કરાવ્યું હતું. આ સમયે ઝુબેરે વાયદો કર્યો હતો કે, 'જો તું ઇસ્લામ અંગીકાર કરીશ તો હું તારી સાથે નિકાહ કરી પત્ની તરીકેનો દરજ્જો આપીશ, તારા નામે મકાન લઈ આપીશ અને તારી તમામ જરૂરિયાતો પૂરી કરીશ.'
વિવિધ જગ્યાએ મહિલાને લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો
ઝુબેરની વાતોમાં આવીને મહિલાએ ધર્મ પરિવર્તન કરી તેની સાથે નિકાહ કર્યા હતા. જોકે, નિકાહના પુરાવા રૂપે કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નહોતા. ત્યારબાદ ઝુબેર વિવિધ જગ્યાએ મહિલાને લઈ જઈને શારીરિક સંબંધ બાંધતો હતો, જેના કારણે ગર્ભ રહેતા પાછળથી એબોર્શન કરાવવું પડ્યું હતું.
નિકાહનો કોઈ લેખિત પુરાવો ન હોવાનો ગેરલાભ ઉઠાવી ઝુબેર અને તેના પરિવારજનોએ મહિલાને માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઝુબેરે ત્રીજા લગ્ન પણ કરી લીધા હતા. 10 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પતિ પોતાની જવાબદારીઓમાંથી છટકવા માંગે છે. પતિ મહિને રૂ. 5 લાખ કમાય છે અને પીડિતા હાલ નિરાધાર બની ગઈ હોવાથી તેને કોર્ટનો સહારો લેવો પડ્યો છે. મહિલાએ સંયુક્ત કુટુંબમાં રહેવા દેવા તેમજ ઘર ખાલી ન કરાવવા માટે ન્યાયની અપીલ કરી છે. આ સાથે માસિક ભરણપોષણ પેટે રૂ. 1 લાખ ચૂકવવાનો આદેશ કરવા કોર્ટને વિનંતી કરી છે.




