અમદાવાદની મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી રૂ.44 લાખ પડાવ્યા, જોધપુરથી 2 આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime Digital Arrest Fraud: સાયબર ગુનાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને એક અગત્યની સફળતા સાંપડી છે. એક મહિલાને CBI અને પોલીસ અધિકારી બનીને વોટ્સએપ વીડિયો કોલ મારફતે ડિજિટલ એરેસ્ટમાં રાખી રૂ.44 લાખની સાયબર ઠગાઈ આચરનાર બે શાતિર ઠગોને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડવામાં આવ્યા છે.
મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આરોપીઓએ ફરિયાદી મહિલાનો સંપર્ક કરી તેમનું નામ મોટો મની લોન્ડરિંગ કેસમાં બહાર આવ્યું હોવાનો ખોટો દાવો કર્યો હતો. ઠગોએ મહિલાને ડરાવી-ધમકાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો અને પોતે સરકારી તપાસમાં સહકાર આપી રહ્યા છે અને આઈસોલેશનમાં 'ડિજિટલ એરેસ્ટ' હેઠળ છે તેવું માનવા માટે મજબૂર કરી દીધા હતા.
CBIના નકલી પત્રો અને RBI સિક્યોરિટી ચેકના નામે છેતરપિંડી
પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે ઠગોએ કેન્દ્રીય તપાસ એજન્સી CBIના બોગસ લેટરહેડ, અધિકારીઓની નકલી સહીઓ અને સરકારી સિક્કાઓનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મહિલાને જણાવાયું હતું કે, તેમની પાસે રહેલા નાણાં કાયદેસર છે કે નહીં તેની ચકાસણી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ની વેરિફિકેશન પ્રોસેસ હેઠળ કરવી પડશે.
CBI ચેકિંગના બહાને આરોપીઓએ મહિલાને અલગ-અલગ બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી હતી. ડરી ગયેલી મહિલાએ તબક્કાવાર રીતે કુલ રૂ.44 લાખ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો.
જોધપુરથી 2 આરોપીઓની અટકાયત
ફરિયાદ મળતા જ સાયબર ક્રાઈમ બ્રાન્ચે નાણાકીય વ્યવહારો અને ડિજિટલ ટ્રેલનું ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું હતું. હ્યુમન ઈન્ટેલિજન્સ અને ડિજિટલ પુરાવાના આધારે પોલીસે આરોપીઓને ટ્રેસ કરી રાજસ્થાનના જોધપુરથી બે આરોપીઓને ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની ઓળખ
- ઈશ્વરનારાયણ ઉર્ફે શ્યામલાલજી ચૌહાણ
- વિષ્ણુ ઉર્ફે રાજેન્દ્રપ્રસાદ રાંકાવાત
સાયબર ક્રાઈમ બ્રાન્ચ હાલ આંતરરાજ્ય સાયબર રેકેટના મુળ સુધી પહોંચવા, વપરાયેલા બેંક એકાઉન્ટ્સ તપાસવા અને આ સિન્ડિકેટમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.









