Ahmedabad

અમદાવાદ: શાસ્ત્રી બ્રિજ પાસે ખુલ્લી ગટરમાં ખાબકી 9 વર્ષની દ્રષ્ટિહીન બાળકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન, AMC સામે ભારે રોષ

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વિશાલા-નારોલ રોડ પર શાસ્ત્રી બ્રિજ પાસે એક કરુણ ઘટના બની છે. 9 વર્ષની દ્રષ્ટિહીન બાળકી મનીષા સલાટ ઓટોમાંથી ઉતરતી વખતે માતાના હાથમાંથી છટકીને ખુલ્લી ગટરમાં પડી ગઈ. શનિવારે સાંજે 5:30 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની 3 ટીમો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી યુદ્ધધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. સ્થાનિકોમાં AMC સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: શાસ્ત્રી બ્રિજ પાસે ખુલ્લી ગટરમાં ખાબકી 9 વર્ષની દ્રષ્ટિહીન બાળકી, ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન, AMC સામે ભારે રોષ

Ahmedabad Girl Falls Into Drain: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના રોડ અને ગટર વિભાગની બિનજવાબદાર કામગીરી સામે લાવતી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. શહેરના વિશાલા-નારોલ રોડ પર શાસ્ત્રી બ્રિજ નજીક આવેલી ખુલ્લી ગટરમાં 9 વર્ષની દ્રષ્ટિહીન બાળકી પડી જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

ઓટોનું ભાડું આપતાં જ માતાના હાથમાંથી દીકરીનો હાથ છૂટ્યો

મળતી વિગતો અનુસાર, શનિવારે મોડી સાંજે આશરે 5:30 વાગ્યાની આસપાસ વિશાલા-નારોલ રોડ પર દેવ ફાર્મ અને સીવેજ ફાર્મ તરફ જતા રસ્તા નજીક આ અકસ્માત બન્યો હતો. 9 વર્ષની દ્રષ્ટિહીન બાળકી મનીષા ભાલાભાઈ સલાટ તેની માતા સાથે ઓટોરિક્ષામાં આવી હતી. ઓટોરિક્ષામાંથી નીચે ઉતરીને તેની માતા ડ્રાઇવરને ભાડું ચૂકવી રહી હતી, તે દરમિયાન ક્ષણવાર માટે મનીષાનો હાથ માતાના હાથમાંથી છૂટી ગયો હતો.

દ્રષ્ટિહીન બાળકીએ પાછળ તરફ માત્ર બે પગલાં ભર્યા અને ઢાંકણા વગરની ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં ખાબકી ગઈ હતી. બાળકીને આંખે દેખાતું ન હોવાથી રસ્તા પરની આ ખુલ્લી ગટર તેના માટે કાળ સાબિત થઈ હતી.

ફાયર બ્રિગેડની 3 ટીમોનું યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન

બાળકી ગટરમાં ખાબકતાં જ તેની માતાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને જાણ કરાતાં 3 ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયર બ્રિગેડની 3 ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

હાલમાં ફાયર ફાઇટરો દ્વારા ગટરમાં ખાબકેલી મનીષાને સહીસલામત બહાર કાઢવા માટે યુદ્ધધોરણે શોધખોળ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં ખુલ્લી ગટર રાખવા બદલ રોષે ભરાયેલા સ્થાનિકો તંત્ર સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.