Ahmedabad

VIDEO | અમદાવાદ: AMCની સભામાં હોબાળો, સ્વચ્છતાના નામે ઍવૉર્ડ ખરીદવાનો કોંગ્રેસનો આક્ષેપ, દરરોજ સફાઈની 200થી વધુ ફરિયાદોનો દાવો

By GS Team
27 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ-સાણંદને 'સ્વચ્છ શહેર જોડી'નો ઍવૉર્ડ મળ્યા છતાં, શુક્રવારે (27 નવેમ્બર) AMCની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો. કોંગ્રેસે શહેરમાં ગંદકી હોવા છતાં ઍવૉર્ડ "ખરીદવામાં" આવ્યો હોવાનો આક્ષેપ કર્યો. વિપક્ષે 22 વૉર્ડમાં રિયાલિટી ચેક કરી ગંદકી હોવાનો દાવો કર્યો અને દરરોજ 200થી વધુ સફાઈ ફરિયાદો આવતી હોવાનું જણાવ્યું. મેયરે આને 80 લાખ જનતાનું અપમાન ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમદાવાદ: AMCની સભામાં હોબાળો, સ્વચ્છતાના નામે ઍવૉર્ડ ખરીદવાનો કોંગ્રેસનો આક્ષેપ, દરરોજ સફાઈની 200થી વધુ ફરિયાદોનો દાવો

AMC general board ruckus : અમદાવાદ-સાણંદની જોડીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે 'સ્વચ્છ શહેર જોડી' કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમનો ઍવૉર્ડ મળ્યો હતો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ગંદકી જોવા મળતી હોવાના મુદ્દે શુક્રવારે (27 નવેમ્બર) મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસે સ્વચ્છતાના નામે ઍવૉર્ડ ખરીદવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને શહેરમાં યોગ્ય રીતે સફાઈ થતી ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. દરરોજ સફાઈ સંબંધિત 200થી વધુ ફરિયાદો આવતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

શહેરમાં અનેક સ્થળોએ ગંદકી છતાં સ્વચ્છતાના નામે ઍવૉર્ડ મેળવાતા હોવાનો વિપક્ષનો આક્ષેપ

બોર્ડ શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કોર્પોરેટરો બેનર-પોસ્ટર સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા. 'સ્વચ્છતાના નામે નૌટંકી બંધ કરો', 'સ્વચ્છતાના નામે ઍવૉર્ડ ખરીદવાનું બંધ કરો', 'શહેરને ગંદકી મુક્ત કરો' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 'હાય રે મેયર' અને 'હાય રે કમિશનર'ના નારા લગાવીને પદાધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરમાં અનેક સ્થળોએ ગંદકી હોવા છતાં સ્વચ્છતાના નામે ઍવૉર્ડ મેળવવામાં આવ્યા છે.

22 વૉર્ડમાં રિયાલિટી ચેકમાં ગંદકી મળી હોવાનો દાવો

બોર્ડમાં દરિયાપુર વૉર્ડના કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ સ્વચ્છતાના ઍવૉર્ડ મુદ્દે અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓને સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોતે, તેમના સાથી કોર્પોરેટરો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરના 22 વૉર્ડમાં રિયાલિટી ચેક કર્યું હતું. આ દરમિયાન મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં દરરોજ સફાઈ સંબંધિત 200થી વધુ ફરિયાદો આવે છે. આવી સ્થિતિમાં શહેરને સ્વચ્છતાનો ઍવૉર્ડ મળ્યો હોવા છતાં જમીની હકીકત અલગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

મેયરે કહ્યું, 80 લાખ જનતા અને સફાઈ કર્મચારીઓનું અપમાન ન કરો

નીરવ બક્ષીની રજૂઆતનો જવાબ આપતાં મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, તમે 80 લાખ જનતાનું અને સફાઈ કર્મચારીઓનું અપમાન કરો છો. સ્વચ્છતાના મુદ્દે શહેરને ઍવૉર્ડ મળ્યો છે ત્યારે શહેરના વિકાસની વાત કરવી જોઈએ. મેયરના આ નિવેદન દરમિયાન સત્તાપક્ષના કોર્પોરેટરોએ ટેબલ પછાડીને અને સૂત્રોચ્ચાર કરીને વિપક્ષની રજૂઆતનો વિરોધ કર્યો હતો.

સત્તાપક્ષના કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ દરરોજ સવારે શહેરની સફાઈ કરે છે અને તેમના કામને બિરદાવવું જોઈએ. વિપક્ષ દ્વારા સફાઈ કર્મચારીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે અને તેમણે માફી માગવી જોઈએ. તેના જવાબમાં મકતમપુરા વૉર્ડના કોંગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દર અઠવાડિયે પોતાની સમસ્યાઓને લઈને કોર્પોરેશનની ઓફિસ બહાર રજૂઆત કરવા આવે છે. ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની પણ જરૂર છે.

દારૂની પોટલીઓ અને બોટલો મળતી હોવાનો પણ આક્ષેપ

સત્તાપક્ષના વિરોધ વચ્ચે નીરવ બક્ષીએ કહ્યું હતું કે, વિપક્ષને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. શહેરમાં અનેક સ્થળોએથી દારૂની પોટલીઓ અને બોટલો મળી આવે છે. ભાજપ, મેયર અને કમિશનરે આ વાસ્તવિકતા સ્વીકારીને યોગ્ય રીતે સફાઈ કરાવવી જોઈએ. આમ, અમદાવાદ-સાણંદની જોડીને સ્વચ્છતાનો ઍવૉર્ડ મળ્યા બાદ પણ શહેરની સફાઈ વ્યવસ્થાને લઈને બોર્ડમાં શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા.