Ahmedabad

અમદાવાદ: સનાથલમાં પાણી ભરાતા ટ્રાન્સપોર્ટની ટ્રક અને ટુ-વ્હીલર્સ ગરકાવ, ટ્રેક્ટર વડે વાહનો બહાર કઢાયા

By GS Team
26 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 3 દિવસના ભારે વરસાદથી સનાથલ વિસ્તાર જળબંબાકાર થયો છે. અહીં પાર્કિંગમાં ઉભેલી ટ્રાન્સપોર્ટની ટ્રકો અને ટુ-વ્હીલરો પાણીમાં ગરકાવ થયા હતા, જેને ટ્રેક્ટર-ધક્કા મારી બહાર કઢાયા. આને કારણે મુખ્ય રસ્તાઓ પર ભયંકર ટ્રાફિક જામ સર્જાયો. બગોદરા-ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતાં અકસ્માતનો ભય હોવાથી વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સનાથલમાં પાણી ભરાતા ટ્રાન્સપોર્ટની ટ્રક અને ટુ-વ્હીલર્સ ગરકાવ, ટ્રેક્ટર વડે વાહનો બહાર કઢાયા

Ahmedabad Flood: અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. વરસાદી પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે સનાથલ વિસ્તારમાંથી પણ જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. સનાથલ ખાતે આવેલા એક પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરેલી ટ્રાન્સપોર્ટની ટ્રક ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પાણીનું સ્તર વધી જતાં ટ્રક માલિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને તેણે એક પછી એક ટ્રકને ટ્રેક્ટરના સહારે પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવી પડી હતી.

ટુ-વ્હીલરો પણ ડૂબ્યા, રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

માત્ર ભારે વાહનો જ નહીં, પરંતુ પાર્કિંગમાં મુકેલા ટુ-વ્હીલર વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા ધક્કા મારીને મશક્કતપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણી ભરાવાને કારણે તેમજ વાહનો બહાર કાઢવાની ચાલી રહેલી કામગીરીના લીધે બ્રિજની આજુબાજુ અને સનાથલ તરફ જતા મુખ્ય રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવાનો વારો આવ્યો હતો.

બગોદરા–ધંધુકા રોડ પર ધીંગડા પાસે પાણી ભરાતાં અકસ્માતનો ભય

બીજી તરફ બગોદરા–ધંધુકા રોડ પર આવેલા ધીંગડા ગામ નજીક રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર પર ગંભીર અસર પડી છે. રસ્તા પર પાણી ભરાયેલા હોવાને કારણે રાત્રિના સમયે રોડ વચ્ચે આવેલું ડિવાઇડર વાહનચાલકોને સ્પષ્ટપણે દેખાતું નથી, જેના લીધે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે. જાહેર જનતાની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ (ટ્રાફિક ડાયવર્ઝન) ની વ્યવસ્થા કરવામાં આવી છે.