Ahmedabad

અમદાવાદ: પ્રેમીના નશાથી કંટાળી યુવતીએ સંબંધ તોડ્યો, યુવકે સગાઈ તોડાવી પરિવારને આપી ધમકી

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વેજલપુરમાં યુવતીએ પ્રેમીની નશાની ટેવથી કંટાળી પ્રેમસંબંધ તોડતા, યુવકે અદાવત રાખી. યુવકે યુવતીની સગાઈ તોડાવી, ભાઈઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. એટલું જ નહીં, યુવતીને ઉપાડી જવાની પણ ધમકી આપી. આથી પીડિત યુવતીએ હરેશ પુરબિયા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પ્રેમીના નશાથી કંટાળી યુવતીએ સંબંધ તોડ્યો,  યુવકે સગાઈ તોડાવી પરિવારને આપી ધમકી

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પ્રેમીની નશાની ટેવથી કંટાળીને યુવતીએ પ્રેમસંબંધ તોડી નાખતાં, યુવકે અદાવત રાખી હેરાન-પરેશાન કરી ધમકીઓ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે યુવતીની અન્ય યુવક સાથે થયેલી સગાઈ પણ તોડાવી નાખી હતી અને ત્યારબાદ યુવતીના ભાઈઓને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ યુવતીને ઉપાડી જવાની ધમકી આપી હતી. આ મામલે પીડિત યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

પોલીસ ફરિયાદ અનુસાર, વેજલપુરમાં રહેતા હરેશ પુરબિયા નામના યુવક સાથે યુવતીનો આશરે એક વર્ષ અગાઉ પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, હરેશને વિવિધ નશા કરવાની આદત હોવાની જાણ થતાં યુવતીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી સંબંધ તોડી નાખ્યો હતો. આ વાતનો ખાર રાખીને હરેશે યુવતીનો પીછો કરી તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે ગાળો બોલી અને ઝપાઝપી કરીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. યુવતીની અન્ય જગ્યાએ સગાઈ નક્કી થતાં આરોપીએ ત્યાં પહોંચી જઈને જૂના સંબંધો અંગે વાતો કરી સગાઈ તોડાવી નાખી હતી.

26મી જુલાઈના રોજ આરોપી હરેશે યુવતીના પિતાના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો. આ ફોન યુવતીએ ઉપાડતાં આરોપીએ તેને ધમકી આપી હતી કે તેણે યુવતીના ભાઈઓને કેસમાં ફસાવી દીધા છે અને જો તે બીજી કોઈ જગ્યાએ પણ સગાઈ કરશે તો તે તોડાવી નાખશે. આ સાથે જ આરોપીએ યુવતીને ઉપાડી જવાની અને તેના ભાઈઓને ફરીથી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગાળો બોલી હતી. આ સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. ત્યારબાદ પરિવારના સાથથી યુવતીએ આરોપી હરેશ પુરબિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.