Ahmedabad

અમદાવાદ: ફાફડા-જલેબીની ગુણવત્તા ખવાઈ ગયા પછી ખબર પડશે! દશેરા પહેલાં 55 સેમ્પલ લેબમાં મોકલાયા

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દશેરા પૂર્વે AMC ફૂડ વિભાગે 80થી વધુ દુકાનોમાંથી 55 ફાફડા-જલેબીના સેમ્પલ લીધા. જોકે, લેબોરેટરી રિપોર્ટ 10-15 દિવસમાં આવશે, જેથી તહેવાર પછી જ ગુણવત્તા સ્પષ્ટ થશે. દશેરાએ ફાફડા-જલેબીની પરંપરાને કારણે મોટા પાયે વેચાણ થાય છે, ત્યારે સમયસર ગુણવત્તા ચકાસણીનો અભાવ ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ફાફડા-જલેબીની ગુણવત્તા ખવાઈ ગયા પછી ખબર પડશે! દશેરા પહેલાં 55 સેમ્પલ લેબમાં મોકલાયા

Fafda Jalebi Quality Check Before Dussehra: અમદાવાદમાં દશેરાના તહેવાર દરમિયાન ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આ દિવસે શહેરમાં મોટા પ્રમાણમાં ફાફડા-જલેબીનું વેચાણ થાય છે. જો કે, આ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગેની સ્પષ્ટતા ગ્રાહકો તેને આરોગી લીધા પછી જ મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના ફૂડ વિભાગે દશેરા પહેલાં રવિવારે(18 ઓક્ટોબર) 80થી વધુ ફરસાણની દુકાનોમાં તપાસ કરીને 55 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે, પરંતુ તેના પરિણામ આવતાં 10થી 15 દિવસનો સમય લાગી શકે છે. એટલે કે, તહેવાર દરમિયાન વેચાયેલા ફાફડા-જલેબીની ગુણવત્તા અંગેનો જવાબ તહેવાર પૂરો થયા બાદ મળશે.

દશેરા પહેલાં 80થી વધુ દુકાનોમાંથી 55 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

અમદાવાદમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરાને કારણે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભારે ભીડ જોવા મળે છે. નાના-મોટા વેપારીઓ ઉપરાંત સોસાયટીઓના નાકે, રસ્તાની બાજુએ અને ફૂટપાથ પર હંગામી મંડપ ઊભા કરીને પણ ફાફડા-જલેબીનું વેચાણ કરવામાં આવે છે.

આટલા મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થોનું વેચાણ થતું હોય ત્યારે તેની ગુણવત્તાની તપાસ સમયસર થાય તે જરૂરી છે. જોકે, સેમ્પલ લીધા બાદ લેબોરેટરીનો રિપોર્ટ આવવામાં 10થી 15 દિવસ લાગતા હોય તો તહેવાર દરમિયાન વેચાયેલા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તાત્કાલિક નિર્ણય લેવો મુશ્કેલ બને છે.

તપાસ પહેલાં જ પરિણામ મળે તો ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ શક્ય

ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે સેમ્પલના પરિણામ તહેવાર પહેલાં કેમ ઉપલબ્ધ ન થઈ શકે? જો ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે સમયસર પરિણામ મળે તો ગુણવત્તામાં ખામી ધરાવતી વસ્તુઓનું વેચાણ અટકાવવા અને જવાબદાર વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે તંત્રને તક મળી શકે.

હાલમાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા બાદ પરિણામ માટે રાહ જોવી પડે છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત ખાદ્યપદાર્થોનું વેચાણ ચાલુ રહે તો ગ્રાહકોને તેની ગુણવત્તા અંગે અગાઉથી જાણ થતી નથી. તેથી તહેવારોને ધ્યાનમાં રાખીને તપાસ અને રિપોર્ટની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાની જરૂરિયાત સામે આવી છે.

દશેરાના દિવસે પણ ચેકિંગ અને કાચા માલની તપાસ જરૂરી

દશેરા નિમિત્તે સોમવારની રાતથી જ ફાફડા-જલેબીનું વેચાણ અને વિતરણ વધવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ફરસાણની દુકાનોમાં તપાસની સાથે ફાફડા બનાવવા માટે વપરાતા તેલ અને જલેબી માટે વપરાતા ઘી સહિતના કાચા માલની ગુણવત્તા પર પણ ધ્યાન આપવું જરૂરી છે.