અમદાવાદ: કોચ માટે દર 6 મહિને ફિટનેસ સર્ટિના નિયમથી વિવાદ, કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ વચ્ચે ભેદભાવનો આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Swimming Coaches Fitness Certificate Rule: અમદાવાદના સ્નાનાગાર વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સ્વિમિંગ કોચ માટે દર છ મહિને MBBS ડૉક્ટર પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનો નવો નિયમ લાગુ કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ નિયમને લઈને કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટના કોચ માટે જ આ પ્રકારની શરત ફરજિયાત કરવામાં આવી છે તો કાયમી કર્મચારીઓ માટે સમાન નિયમ કેમ નથી, તેવો સવાલ પણ ઊઠી રહ્યો છે.
કોન્ટ્રાક્ટના કોચ માટે દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટનો નવો નિયમ
સ્નાનાગાર વિભાગમાં હાલમાં અંદાજે 30 કાયમી કોચ કાર્યરત છે, જ્યારે આશરે 17 કોચ હજુ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી એજન્સી મારફતે પણ અંદાજે 30થી 32 કોચ લેવામાં આવ્યા છે. અગાઉ કોન્ટ્રાક્ટના કોચ માટે દર છ મહિને સ્વિમિંગ સહિતની કસોટીઓ લેવામાં આવતી હતી. હવે તેમના માટે MBBS ડૉક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. જો કે, આ જ નિયમ કાયમી કર્મચારીઓ અને ખાનગી એજન્સી મારફતે કામ કરતા કોચને લાગુ ના પડતા હોવાનું કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ દાવો કર્યો છે.
હાજરી માટે ચાર તબક્કાની પ્રક્રિયા
ફિટનેસ સર્ટિફિકેટના નિયમ ઉપરાંત કોચ અને કર્મચારીઓની હાજરી નોંધવાની પ્રક્રિયાને લઈને પણ નારાજગી હોવાની વાત સામે આવી છે. શિફ્ટ શરૂ થતાં પહેલાં કર્મચારીઓએ 311 એપ મારફતે હાજરી નોંધાવવાની, ત્યારબાદ બાયોમેટ્રિક હાજરી આપવાની અને હાજરીપત્રકમાં સહી કરવાની રહે છે. આ ત્રણેય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ કર્મચારીઓનો ગ્રૂપ ફોટો પાડીને સ્નાનાગાર વિભાગના વોટ્સએપ ગ્રૂપમાં અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
આમ, હાજરી નોંધાવવા માટે એક પછી એક ચાર તબક્કામાંથી પસાર થવું પડે છે. બીજી તરફ, દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટની નવી શરતને કારણે કોન્ટ્રાક્ટના કોચ પર વધારાની જવાબદારી આવી છે. કાયમી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે નિયમોમાં સમાનતા હોવી જોઈએ તેવી માગ સાથે ભેદભાવના આક્ષેપો પણ થઈ રહ્યા છે.




