અમદાવાદ: સ્પોર્ટ્સ પ્રોફેસરે જ વિદ્યાર્થીઓ સાથે રમી નાખ્યો 'ખેલ', ક્રિકેટમાં સિલેક્શન અને નોકરીના નામે લાખો રૂપિયા પડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fraud Case: ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે રમતગમત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞેશ બારહાટે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અપાવવાની તેમજ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં પસંદગી કરાવવાની લાલચ આપીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. પ્રોફેસરે રૂપિયા લઈને વિદ્યાર્થીને એવું કહ્યું હતું કે, ઓફિશિયલ મેઈલ આવશે, પરંતુ ઘણાં સમય સુધી કોઈ મેઈલ ના આવતા પ્રોફેસરે પણ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ કૌભાંડ અંગે વિદ્યાર્થીને જાણ થતાં તેણે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્ટેટ લેવલ ક્રિકેટમાં સિલેક્શનના નામે ₹99 હજાર પડાવ્યા
સાણંદનો રહેવાસી અને ગુજરાત કોલેજમાં ભણતો પ્રતીક મિશ્રા જ્યારે કોલેજના વોલીબોલ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતો હતો, ત્યારે પ્રોફેસર પ્રજ્ઞેશ બારહાટે તેને જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં પ્રોફેસરે 15,000 રૂપિયા ફી લઈને એરફોર્સમાં સેટિંગ કરી આપવાની ઓફર આપી હતી. જોકે, પ્રતીકે તેમાં રસ ન દાખવતા પ્રોફેસરે તેને 45,500 રૂપિયામાં સ્ટેટ લેવલ ક્રિકેટમાં સિલેક્શન કરાવી આપવાની નવી લાલચ આપી હતી. પ્રતીક આ વાત માની ગયો હતો અને તેણે પોતાના તેમજ અન્ય એક મિત્રના સિલેક્શન માટે કુલ 99,000 રૂપિયા પ્રોફેસરને ટ્રાન્સફર કરી દીધા હતા.
'ઓફિશિયલ મેઈલ આવશે' કહી પ્રોફેસરે ફોન સ્વીચ ઓફ કરી દીધો
પૈસા ચૂકવ્યા બાદ પ્રોફેસરે સિલેક્શન અંગેનો ઓફિશિયલ ઈમેલ આવશે તેવો દાવો કર્યો હતો, પરંતુ લાંબા સમય સુધી કોઈ જ મેલ ન આવતા પ્રતીકે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પ્રોફેસરનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. વધુ તપાસ કરતા પ્રતીકને જાણવા મળ્યું કે અન્ય બે વિદ્યાર્થીઓને પણ એરફોર્સમાં નોકરીના બહાને 15-15 હજાર રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. આમ, વિદ્યાર્થીઓ સાથે કુલ 1.29 લાખ રૂપિયાની ઠગાઈ કરનારા પ્રોફેસર વિરુદ્ધ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









