અમદાવાદ: થલતેજમાં હોસ્પિટલમાં તસ્કરનો હાથફેરો, CCTVના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં રાત્રિના સમયે એક અજાણ્યો તસ્કર ઘૂસીને 99,000 રૂપિયાની રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. તસ્કરે દવાની બારીમાંથી અંદર પ્રવેશ કરી કાતર વડે ડ્રોવરનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર વારદાત હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ અંગે હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરના પતિએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, થલતેજ ખાતે રહેતા અને સોલા સ્થિત હોસ્પિટલમાં છેલ્લાં 4 વર્ષથી ફરજ બજાવતા 39 વર્ષીય ડૉ. હર્ષિલ મહેતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેનાં પત્ની ડૉ. પૂજાબહેન ગાયનેકોલોજિસ્ટ છે અને તેઓ પોતાના મકાનના નીચેના ભાગમાં હોસ્પિટલ ચલાવે છે. પોલીસ ફરિયાદ અનુસાર, પાંચમી સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે હોસ્પિટલના સ્ટાફે દવાનો રૂમ બંધ કર્યો હતો. બીજા દિવસે એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે રૂમ ખોલતા ડ્રોવર ખુલ્લું અને તેનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.
સીસીટીવી ફૂટેજ ચકાસતાં માલૂમ પડ્યું હતું કે, છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના સુમારે 25થી 30 વર્ષની વયનો એક અજાણ્યો શખસ મોઢે રૂમાલ બાંધીને દવાની બારીમાંથી અંદર ઘૂસ્યો હતો. તેણે કાતર વડે ડ્રોવરનું તાળું તોડી તેમાંથી 98,000 રૂપિયા અને રિસેપ્શન ટેબલના ખાનામાંથી 1,000 રૂપિયા મળીને કુલ 99,000 રૂપિયાની રોકડની ચોરી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.




