અમદાવાદમાં ‘ફ્લેક્સ ઓફિસ’ની માંગમાં 570% નો ઐતિહાસિક ઉછાળો, મુંબઈ-બેંગલુરુને પણ પાછળ છોડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Flex Office: કોરોના મહામારી પછી દુનિયાભરમાં કામ કરવાની રીતમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. હવે કંપનીઓ 5 કે 10 વર્ષના લાંબા ગાળાના ભાડાકરારમાં બંધાવાને બદલે ‘ફ્લેક્સ ઓફિસ’ ને વધુ પસંદ કરી રહી છે. 'ફ્લેક્સ ઓફિસ’ એટલે કો-વર્કિંગ સ્પેસ અથવા જરૂરિયાત મુજબ ભાડે રાખી શકાય તેવી ઓફિસ. એક સમય હતો જ્યારે આવી આધુનિક અને લવચીક ઓફિસ માત્ર બેંગલુરુ, મુંબઈ કે દિલ્હી જેવા મહાનગરો પૂરતી જ સીમિત હતી. પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે આ ટ્રેન્ડ હવે ટિયર-2 શહેરો તરફ વળ્યો છે. ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું અમદાવાદ હવે આ રેસમાં મોટા શહેરોને પણ પાછળ છોડીને સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બની ગયું છે.
‘ફ્લેક્સ ઓફિસ’ એટલે શું?
‘ફ્લેક્સ ઓફિસ’ એટલે 'ફ્લેક્સિબલ વર્કસ્પેસ'. જરૂરિયાત મુજબ ભાડે રાખી શકાય તેવી આધુનિક કો-વર્કિંગ સ્પેસને ‘ફ્લેક્સ ઓફિસ’ કહેવાય છે. આ લવચીક વ્યવસ્થામાં કંપનીઓ લાંબા ગાળાના ભાડાકરારમાં બંધાવાને બદલે પોતાના સ્ટાફની સંખ્યા અનુસાર જ વર્કસ્ટેશનનો ઉપયોગ કરે છે, જેનાથી તેમને ઓફિસ જાળવણીના મોટા ખર્ચમાંથી મુક્તિ મળે છે. અહીં અલગ-અલગ કંપનીઓ એક જ ફ્લોર કે બિલ્ડિંગમાં પોતાની જગ્યામાં કામ કરતી હોય છે, પરંતુ તેઓ માત્ર અગાઉથી બુક કરી શકાય તેવા મીટિંગ રૂમ કે કોન્ફરન્સ હોલ, આરામ કરવા માટેના લાઉન્જ એરિયા અને કેફેટેરિયા, તેમજ રિસેપ્શન ડેસ્ક, સિક્યોરિટી સિસ્ટમ, ઇન્ટરનેટ અને પ્રિન્ટર જેવી સામાન્ય સુવિધાઓ (Common Amenities) નો સહિયારો ઉપયોગ કરે છે.
અમદાવાદમાં જોવા મળ્યો રેકોર્ડબ્રેક ઉછાળો
રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી સંસ્થા 'કુશમેન એન્ડ વેકફિલ્ડ' (Cushman & Wakefield) ના 2026 ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026 ના પ્રથમ છ મહિનામાં (H1) અમદાવાદમાં ફ્લેક્સ ઓફિસની માંગમાં વાર્ષિક ધોરણે 570.3% નો જંગી વધારો જોવા મળ્યો છે. 2025 માં આ જ સમયગાળામાં અમદાવાદમાં માત્ર 735 ફ્લેક્સ વર્કસ્ટેશન ભાડે લેવાયા હતાં, જે આ વર્ષે વધીને 4927 થઈ ગયાં છે. ભલે વર્કસ્ટેશનની કુલ સંખ્યા બેંગલુરુ કે મુંબઈની સરખામણીમાં ઓછી હોય, પરંતુ તેનો વૃદ્ધિ દર (Growth Rate) દેશમાં સૌથી વધુ રહ્યો છે.
નાના અને મોટા બંને શહેરોમાં ફ્લેક્સ ઓફિસની બોલબાલા
આ વિસ્તરણ માત્ર અમદાવાદ પૂરતું મર્યાદિત નથી. દેશના અન્ય શહેરોમાં પણ કંપનીઓ મોટા પાયે ફ્લેક્સિબલ ઓફિસ સ્પેસ તરફ વળી છે.
- કોલકાતા: 3454 વર્કસ્ટેશન (48% નો વધારો)
- પુણે: 20900 વર્કસ્ટેશન (27.8% નો વધારો)
- ચેન્નાઈ: 16297 વર્કસ્ટેશન (3.6% નો વધારો)
મોટા શહેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી
- હૈદરાબાદ: 40451 વર્કસ્ટેશન (170.8% નો વધારો)
- દિલ્હી-NCR: 21970 વર્કસ્ટેશન (152.7% નો વધારો)
- મુંબઈ: 25820 વર્કસ્ટેશન (130% નો વધારો)
- બેંગલુરુ: 57487 વર્કસ્ટેશન સાથે બેંગલુરુ હજુ પણ દેશનું સૌથી મોટું ફ્લેક્સ માર્કેટ છે. અહીં 31.8% નો વધારો નોંધાયો છે. કુલ માંગમાં તેનો હિસ્સો લગભગ 30% જેટલો છે.
રાષ્ટ્રીય સ્તરે કેવું રહ્યું પ્રદર્શન?
સમગ્ર ભારતની વાત કરીએ તો, 2026 ના પહેલા છ મહિના (H1) ફ્લેક્સ માર્કેટ માટે અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ સાબિત થયા છે. દેશના ટોચના 8 શહેરોમાં કુલ 191306 ફ્લેક્સ વર્કસ્ટેશન ભાડે લેવામાં આવ્યાં છે. વર્ષ 2025 ના પહેલા છ મહિનામાં આ આંકડો 113623 હતો, એટલે કે તેમાં સીધો 68.4% નો વધારો નોંધાયો છે. કુલ ઓફિસ લીઝિંગ (ભાડે આપવાની પ્રક્રિયા) માં ફ્લેક્સ વર્કસ્પેસનો હિસ્સો હવે 13% થી વધીને 20% થઈ ગયો છે.
GCC (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ) બન્યા ગેમ-ચેન્જર
આ માંગ વધવા પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) છે. વિદેશી કંપનીઓ ભારતમાં મોટા પાયે પોતાના સેન્ટર અને બેક-ઓફિસ ખોલી રહી છે. 2026 ના પ્રથમ છ મહિનામાં કુલ ફ્લેક્સ વર્કસ્ટેશનની માંગમાં એકલા GCC નો હિસ્સો 44% રહ્યો છે, જે 2025 ના આખા વર્ષ માટે 37% હતો. આ કંપનીઓ પોતાની જરૂરિયાત મુજબ સરળતાથી સ્ટાફ વધારી કે ઘટાડી શકે તે માટે પરંપરાગત ઓફિસની જગ્યાએ ફ્લેક્સ ઓફિસને પ્રાધાન્ય આપી રહી છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
કુશમેન એન્ડ વેકફિલ્ડના ઈન્ડિયા હેડ (ફ્લેક્સ) રમિતા અરોરા જણાવે છે કે, ફ્લેક્સિબલ વર્કસ્પેસ હવે કોર્પોરેટ રિયલ એસ્ટેટ વ્યૂહરચનાનો ખૂબ જ મહત્ત્વનો ભાગ બની ગયા છે. કંપનીઓને હવે કસ્ટમાઇઝ્ડ અને એડવાન્સ સુવિધાઓવાળી ઓફિસ જોઈએ છે, જે તેમના વૈશ્વિક ધોરણો અને બ્રાન્ડ ઈમેજને અનુરૂપ હોય. ફ્લેક્સ ઓપરેટરો આ માંગણીઓને બખૂબી પૂરી કરી રહ્યા છે.
ભવિષ્યમાં ફ્લેક્સ ઓફિસનું ચલણ વધતું જશેભવિષ્યમાં ફ્લેક્સ ઓફિસનું ચલણ વધતું જશે
અમદાવાદ અને કોલકાતા જેવા ઉભરતા બજારોમાં આવેલો આ ઐતિહાસિક ઉછાળો સ્પષ્ટ કરે છે કે ભારતમાં ઓફિસ સ્પેસ માર્કેટ હવે મોટા શહેરોની સીમાઓ ઓળંગી ચૂક્યું છે. ભવિષ્યમાં કંપનીઓ પોતાના કારોબારના વિસ્તરણ માટે આ જ મોડેલ પર સૌથી વધુ ભરોસો મુકશે તે નક્કી છે.




