અમદાવાદ: બાવળાના કેરાળા ગ્રામ પંચાયતના સરપંચ રંજનબહેન મેર સસ્પેન્ડ, દારૂબંધીના કેસમાં સંડોવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામના સરપંચ રંજનબહેન મનસુખ મેર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન (દારૂબંધી) કેસમાં સંડોવણી બદલ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદેહ ખરે દ્વારા તેને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.
12 હજારનો દેશી દારૂ ઝડપાયા બાદ અટકાયત કરાઈ હતી
મળતી માહિતી અનુસાર, કેરાળા GIDC પોલીસ સ્ટેશન દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન 12,000 રૂપિયાની કિંમતનો 60 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં સરપંચ રંજનબેન મેર સામે ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. જનપ્રતિનિધિ તરીકે દારૂ જેવા ગેરકાયદે કૃત્યમાં સંડોવણી સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી.
4 વખત તક આપવા છતાં યોગ્ય આધાર-પુરાવા રજૂ ન કરી શક્યા
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ કારણ દર્શક નોટિસ પાઠવ્યા બાદ સરપંચને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ચાર-ચાર વાર સુનાવણીની સત્તાવાર તક આપવામાં આવી હતી. આમ છતાં, સરપંચ દ્વારા પોતાના બચાવમાં કોઈ યોગ્ય આધાર-પુરાવા કે સ્પષ્ટ ખુલાસો રજૂ કરવામાં આવ્યો ન હતો. સરપંચ સામેની આ ગંભીર ગુનાઈત કાર્યવાહી અને નૈતિક અધઃપતનના આક્ષેપોને ગંભીરતાથી ધ્યાને રાખીને, અમદાવાદ DDO દ્વારા તેમને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




