અમદાવાદ: શાહપુરમાં હજયાત્રા માટે ભેગા કર્યા 28 લાખ, જીવનભરની બચત પર ચોરનો હાથ ફેરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Theft Case: અમદાવાદના શાહપુર વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં હજયાત્રા પર જવા માટે વર્ષોથી બચત કરીને ભેગા કરેલા 28 લાખ રૂપિયાની રોકડ રકમ ઘરમાંથી ચોરાઈ ગઈ છે. પરિવાર દ્વારા આ રકમ બેડરૂમની તિજોરીમાં મૂકવામાં આવી હતી, જે કોઈ અજાણ્યો ચોર કે જાણભેદુ ચોરી ગયો છે. આ મામલે પીડિત પરિવારે શાહપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
બચતના 28 લાખ રૂપિયા તિજોરીમાં રાખ્યા હતા
શાહપુરના માછીવાડ વિસ્તારમાં આવેલા ગઝાલી એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા મોહમ્મદ ઉસામા નુરમિયા શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે પરિવાર સાથે હજયાત્રા પર જવાનું આયોજન કરી રહ્યા હતા. આ માટે તેણે વર્ષોથી મહેનત કરીને 28.50 લાખ રૂપિયાની બચત કરી હતી. જેમાંથી 50 હજાર રૂપિયા ઘરવપરાશમાં વાપર્યા બાદ બાકીના 28 લાખ રૂપિયા રોકડા ઘરમાં બેડરૂમની તિજોરીમાં સુરક્ષિત મૂક્યા હતા.
ટિકિટના પૈસા લેવા ગયા ત્યારે ચોરી થયાની જાણ થઈ
ગત 28મી જુલાઈની રાત્રિથી પાંચમી ઓગસ્ટની બપોર સુધીના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના બની હોવાનું માનવામાં આવે છે. તિજોરીના અંદરના ડ્રોવરમાં સોના-ચાંદીના દાગીના હતા જેને તાળું મારેલું હતું, પરંતુ રોકડ રકમ તિજોરીના ખુલ્લા ભાગમાં રાખવામાં આવી હતી. ઘરના સભ્યો તિજોરીને લોક કરતા ન હોવાથી, આ બાબતનો લાભ ઉઠાવીને કોઈ ચોરે હાથ ફેરો કર્યો હતો. પાંચમી ઓગસ્ટના રોજ જ્યારે મોહમ્મદ ઉસામા નુરમિયા શેખ હજયાત્રાની ટિકિટના પૈસા ચૂકવવા માટે તિજોરીમાંથી પૈસા લેવા ગયા ત્યારે તિજોરીમાંથી 28 લાખ રૂપિયા ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.









