અમદાવાદના શાહીબાગમાં વેપારીના ઘરમાંથી 18.48 લાખની ચોરી, સવા મહિનો કામ કરી નોકર જ ઘરમાં હાથફેરો કરી ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Theft News: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના ઘરમાંથી 18.48 લાખ રૂપિયાની મત્તાની ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારી પરિવારની ગેરહાજરીનો લાભ ઉઠાવીને છેલ્લા સવા મહિનાથી ઘરકામ કરતા શખસે જ તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો છે. ચોરીની આ સમગ્ર ઘટના ઘરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણો શું છે સમાગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા 47 વર્ષીય હિતેશ ચોપરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા સવા મહિનાથી 'કમલેશ' નામનો શખસ તેના ઘરે સાફ-સફાઈ અને ઘરકામ કરતો હતો અને ઘરના પાછળના ભાગે આવેલી રૂમમાં રહેતો હતો. જોકે, ચોરીની ઘટના બન્યા બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે નોકરનું સાચું નામ જયંતિલાલ છે અને તેણે પોતાની ખોટી ઓળખ આપીને નોકરી મેળવી હતી.
પોલીસ ફરિયાદની વિગત મુજબ, 29મી ઓગસ્ટના રોજ સવારે વેપારી પોતાની દુકાને ગયા હતા અને તેના પત્ની બહારગામ ગયેલા હોવાથી ઘરમાં કોઈ હાજર નહોતું. આ તકનો લાભ ઉઠાવીને નોકર જયંતિલાલ ઉર્ફે કમલેશ મુખ્ય રૂમમાં પ્રવેશ્યો હતો. તેણે બેડની બાજુના ડ્રોઅરમાંથી કબાટની ચાવી શોધી કાઢી તિજોરી ખોલી હતી. તિજોરીમાંથી 14.48 લાખ રૂપિયાની કિંમતના 36 તોલા 2 ગ્રામ સોનાના દાગીના તથા 4 લાખ રૂપિયાની રોકડ રકમ મળીને કુલ 18.48 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
ઘરમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસતાં નોકર ઘરેણાં અને રોકડ રકમ ભરેલી બેગ લઈને ઘરની બહાર ભાગતો સ્પષ્ટ નજરે પડે છે. શાહીબાગ પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર આરોપી નોકર સામે ચોરીનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.




