VIDEO: સામાન્ય વરસાદમાં અમદાવાદના પાલડી-રાણીપમાં રોડ બેસી ગયા: ફાયરની ગાડી અને સળિયા ભરેલું ટ્રેલર ખાડામાં ફસાયું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Potholes In Road, Ahmedabad News: અમદાવાદમાં વરસાદની પહેલી થપાટમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની પોલ ખુલી ગઇ હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. પાલડી જેવા વ્યસ્ત ચાર રસ્તા પર સુરક્ષા માટે નીકળેલી ફાયર બ્રિગેડની ગાડી જ રોડ બેસી જતાં ફસાઈ પડી! જે ગાડી લોકોના જીવ બચાવવા માટે દોડતી હતી, તેને આજે પોતાની સુરક્ષા માટે ક્રેનની મદદ લેવાની નોબત આવી. પહેલા જ વરસાદે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સચ્ચાઈ સામે લાવી દીધી છે.
સામાન્ય વરસાદમાં અમદાવાદના પાલડી-રાણીપમાં રોડ બેસી ગયા
આ તો માત્ર શરૂઆત હતી! જ્યારે ન્યુ રાણીપ અને વંદે માતરમ રોડ પર વહેલી સવારે એક ટ્રેલર રસ્તો બેસી જતાં એવી રીતે ફસાઈ ગયું કે કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વહેલી સવારે રોડ અચાનક બેસી જતાં વાહનચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.
ઘટનાઓને લઈને અમદાવાદીઓમાં આક્રોશ છે કે, સ્માર્ટ સિટીના દાવા કરતું તંત્ર અત્યારે શું કરી રહ્યું છે? માત્ર એક વરસાદમાં જો રસ્તાઓ આ રીતે બેસી જતા હોય, તો આ રસ્તાઓની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. શું લોકોના ટેક્સના પૈસા માત્ર ખાડા પૂરવા માટે જ વપરાય છે? જો ફાયર બ્રિગેડની ગાડી ખાડામાં ફસાતી હોય, તો સામાન્ય વાહનચાલકોની શું હાલત થતી હશે, તેનો તો વિચાર કરો. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રની આ નિષ્ક્રિયતા હવે સહનશક્તિની બહાર છે! ત્યારે આ સમગ્ર મામલે AMC હવે શું પગલાં લે છે, તે જોવું રહ્યું.









