અમદાવાદ: સગા ભાઈઓએ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશનનું કહીને વૃદ્ધ પાસેથી 4.99 લાખ પડાવ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fraud News: અમદાવાદમાં માનવતા અને મિત્રતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધ સાથે છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા બે સગા ભાઈઓએ જ 4.99 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. નિરમા યુનિવર્સિટીમાં પુત્રને ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાના બહાને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેનો પર્દાફાશ પુત્રના મોત બાદ થયો છે.
15 વર્ષ જૂની મિત્રતાનો લીધો ગેરફાયદો
નારોલ વિસ્તારમાં નિવૃત્ત જીવન જીવતા 63 વર્ષીય ફતેસિંહ લોધા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમની સાથે છેલ્લા પંદરેક વર્ષથી સેવાકાર્યમાં જોડાયેલા શાસ્ત્રીનગરના બે સગા ભાઈઓ રંજન મહેશ્વરી અને ચંદન મહેશ્વરી સાથે તેમને પાકી મિત્રતા હતી. ફતેસિંહના પુત્ર હિતેષે વર્ષ 2017થી 2020 દરમિયાન ડિપ્લોમા ઇન પ્લાસ્ટિક મોલ્ડ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તે નાપાસ થયો હોવાની પરિવારને જાણ નહોતી. આ બાબતનો ફાયદો ઉઠાવી બંને આરોપી ભાઈઓએ હિતેષને નિરમા યુનિવર્સિટીમાં એડમિશન અપાવી ડિગ્રી કઢાવી આપવાની જવાબદારી લીધી હતી.
એડમિશનના નામે વર્ષો સુધી પડાવ્યા પૈસા
વર્ષ 2022માં આરોપીઓએ હિતેષનું નિરમા યુનિવર્સિટીમાં એડમિશન થઈ ગયું હોવાનું ખોટું કહીને પિતા પાસે કોલેજ ફીના નામે પૈસા માંગવાના શરૂ કર્યા હતા. ફતેસિંહે પોતાના પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે વર્ષ 2022થી 2026 દરમિયાન કટકે-કટકે રોકડા 3,50,000 અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા 1,49,700 મળીને કુલ 4,99,700 આ બંને ભાઈઓને ચૂકવી દીધા હતા.
પુત્રના મોત બાદ પિતા કોલેજ પહોંચતા ભાંડો ફૂટ્યો
ગત 13મી એપ્રિલ 2026ના રોજ હિતેષને અચાનક ખેંચ આવતા તે સીડી પરથી પડી ગયો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર દરમિયાન ત્રીજી મેના રોજ તેનું દુઃખદ અવસાન થયું હતું. પુત્રના મૃત્યુ બાદ પિતા ફતેસિંહ જ્યારે યુનિવર્સિટીમાં આ અંગેની જાણ કરવા અને આગળની પ્રક્રિયા માટે પહોંચ્યા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું કે હિતેષ નામના કોઈ વિદ્યાર્થીનું ત્યાં ક્યારેય એડમિશન થયું જ નહોતું.
સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ફતેસિંહે રંજન અને ચંદન મહેશ્વરી પાસે પોતાના પૈસા પરત માંગ્યા હતા. પરંતુ બંને ભાઈઓએ કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો. આખરે ભોગ બનનાર વૃદ્ધે બંને આરોપી ભાઈઓ સામે પોલીસ મથકમાં છેતરપિંડીની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









