અમદાવાદ: રતનપોળના વેપારી સાથે ₹2.19 કરોડની છેતરપિંડી, આસામના 4 શખસોએ સોનાના બદલે નકલી લગડી પધરાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Gold Fraud: અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને રતનપોળમાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો વેપાર કરતા વેપારી સાથે 2.19 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આસામના ચાર શખસોએ વિશ્વાસ કેળવીને 1624 ગ્રામ સોનાના દાગીના મેળવી લીધા હતા અને તેના બદલામાં અન્ય ધાતુ પર માત્ર સોનાનો વરખ ચડાવેલી નકલી લગડીઓ પધરાવી છેતરપિંડી કરી હતી. આ અંગે અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી મુજબ, ઈસનપુર ગામમાં રહેતા અને છેલ્લા 20 વર્ષથી રતનપોળના સહજાનંદ માર્કેટમાં જ્વેલરી બનાવવાનો વ્યવસાય કરતા 52 વર્ષીય રાકેશ સોનીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ અનુસાર, ગુવાહાટી (આસામ) ખાતે જ્વેલરીનો ધંધો કરતા મુનીર, અજીજ, જેબુદ્દીન અને તાલુ નામના ચાર શખસોએ તેમની સાથે આ ઠગાઈ આચરી છે.
ઘટનાની વિગતો અનુસાર, ફેબ્રુઆરી 2026માં આરોપીઓએ રાકેશ સોનીની દુકાને આવી નાનું કામ સોંપીને તાત્કાલિક રોકડ ચૂકવણી કરી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ એપ્રિલ 2024માં આરોપીઓએ વોટ્સએપ કોલ મારફતે 22 કેરેટ સોનાના સેટ, ચેઈન, રિંગ વગેરે મળીને કુલ 1624 ગ્રામ દાગીનાનો મોટો ઓર્ડર આપ્યો હતો. આ ઓર્ડર પૂર્ણ કરવા માટે રાકેશ સોનીએ તેના વેપારી મિત્ર નઈમઅખ્તર સાથે મળીને કુલ 2,19,62,500 રૂપિયાની કિંમતના દાગીના તૈયાર કર્યા હતા.
સોનાની લગડીઓ અંદરથી અન્ય ધાતુની નીકળી
દાગીના તૈયાર થઈ ગયા બાદ રાકેશ સોની તેની ડિલિવરી આપવા ગુવાહાટી ગયા હતા. ત્યાં આરોપીઓએ તમામ અસલી દાગીના મેળવી લીધા હતા અને હાલ પૂરતા રોકડા નાણાં ન હોવાનું બહાનું બતાવીને 24 કેરેટ સોનાની 166 ગ્રામ વજન ધરાવતી 9 લગડીઓ આપી હતી. પરંતુ રાકેશ સોનીએ હોટેલ પર જઈને આ લગડીઓની તપાસ કરાવતા તે અંદરથી અન્ય ધાતુની અને માત્ર ઉપર સોનાનો વરખ ચડાવેલી નકલી હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે વેપારીએ આ અંગે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શરૂઆતમાં લગડી બદલી આપવાના વાયદા કર્યા હતા, પરંતુ બાદમાં પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં રાકેશ સોનીએ અંતે ઈસનપુર પોલીસ મથકમાં ચાર શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




