અમદાવાદ: પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં 140 કલાકથી અંધારપટ, બરતરફ અધિકારીએ ક્વાર્ટરનું બિલ ન ભરતા સુવિધાઓ ખોરવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Fire Brigade: અમદાવાદમાં ગેરકાયદે કબજા સામે કડક કાર્યવાહી કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના જ ફાયર વિભાગના પૂર્વ અધિકારી પાસેથી સરકારી ક્વાર્ટર ખાલી કરાવવામાં નિષ્ફળ રહ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં બુધવારથી એટલે કે 140 કલાકથી પણ વધુ સમયથી વીજ પુરવઠો બંધ છે. તપાસમાં સામે આવ્યું છે કે અહીં વીજળીનું રૂ. 3.67 લાખનું બિલ બાકી છે.
રાત્રિના સમયે ગેરેજમાં અંધારું
સ્ટેશન ઓફિસર મેહુલ ગઢવી લાંબા સમયથી ઓફિસર ક્વાર્ટર ખાલી ન કરતા હોવાથી વીજળીનું બિલ દોઢથી બે વર્ષ સુધી ભરાયું નથી. આખરે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેની સીધી અસર ફાયર સ્ટેશનના ગેરેજ, વોશરૂમ અને પાણીના પમ્પ પર પડી છે. રાત્રિના સમયે ગેરેજમાં અંધારું રહેવાને કારણે ફાયર સ્ટેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

નકલી ડિગ્રી રજૂ કરીને નોકરી મેળવવાના કૌભાંડ બરતરફ છે અધિકારી
મહત્વનું છે કે નેશનલ ફાયર સર્વિસ કોલેજની નકલી ડિગ્રી રજૂ કરીને નોકરી મેળવવાના કૌભાંડમાં તપાસ બાદ મેહુલ ગઢવીને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ઇનાયત શેખ લાંચ લેતા રંગેહાથ પકડાઈ જતાં તેમને પણ નોકરીમાંથી બરતરફ કરાયા હતા. આમ છતાં, આ બંને અધિકારીઓ ક્વાર્ટર ખાલી ન કરતા હોવાથી કોર્પોરેશનને કબજો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલાં પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખે પોતાનું ક્વાર્ટર ખાલી કર્યું હતું, પરંતુ મેહુલ ગઢવીએ હજુ સુધી ક્વાર્ટર ખાલી કર્યું નથી. વીજળી કાપવામાં આવ્યા બાદ તેઓ પોતાના વતન જતા રહ્યા હોવાથી તેમનો સામાન હજી પણ ક્વાર્ટરમાં જ પડ્યો છે.
પાણીના પમ્પ જેવી સુવિધાઓ ખોરવાઈ જવી એ ગંભીર બાબત
કોર્પોરેશન દ્વારા ગેરકાયદે કબજા સામે વારંવાર કડક પગલાં લેવામાં આવે છે, ત્યારે પોતાના જ વિભાગના ક્વાર્ટર ખાલી ન કરાવી શકવાના મામલે સવાલ ઊભો થાય છે કે નોટિસો આપવા છતાં આગળની કાયદાકીય કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? ફાયર વિભાગ જેવી કટોકટીની અતિ આવશ્યક સેવા સાથે જોડાયેલા સ્થળે વીજળીના અભાવે ગેરેજ અને પાણીના પમ્પ જેવી સુવિધાઓ ખોરવાઈ જવી એ ગંભીર બાબત છે. હવે એ જોવાનું રહે છે કે કોર્પોરેશન ક્વાર્ટર ખાલી કરાવવા, બાકી નીકળતા રૂ. 3.67 લાખના વીજ બિલ તથા મકાન ભાડાની વસૂલાત કરવા અને ફાયર સ્ટેશનની સેવાઓ પૂર્વવત્ કરવા માટે ક્યારે નક્કર કાર્યવાહી કરે છે.

લાયક અધિકારીઓ નાના રૂમમાં રહેવા મજબૂર
બીજી તરફ, મેહુલ ગઢવી ક્વાર્ટર ખાલી ન કરતા હોવાથી અન્ય લાયક અધિકારીઓને ઓફિસર ક્વાર્ટર મળી શક્યા નથી. પ્રમોશન મળ્યા બાદ ઓફિસર ક્વાર્ટર મેળવવા માટે પાત્ર બનેલા 5થી 7 અધિકારીઓ હજી પણ સ્ટાફ ક્વાર્ટરના નાના-નાના રૂમમાં રહેવા મજબૂર બન્યા છે. એક તરફ યોગ્ય અધિકારીઓને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા નથી, તો બીજી તરફ ફરજ પરથી દૂર કરાયેલા અધિકારીનો ક્વાર્ટર પર ગેરકાયદે કબજો યથાવત્ છે.
અન્ય ફાયર સ્ટેશનોમાં પણ ક્વાર્ટર ખાલી કરાવાયા નથી
માત્ર પ્રહલાદનગર જ નહીં, પરંતુ અન્ય ફાયર સ્ટેશનોમાં પણ ફરજ પરથી બરતરફ કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ ઓફિસર ક્વાર્ટર ખાલી કર્યા નથી. જેમાં મણિનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર શુભમ ખડિયા, નરોડા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર સુધીર ગઢવી, જમાલપુર ફાયર સ્ટેશનના ફાયરમેન એરિક રિબેલો, શાહપુર ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર આસિફ શેખ અને નવરંગપુરા ફાયર સ્ટેશનના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હોવા છતાં તેમણે ક્વાર્ટર ખાલી કર્યા ન હોવાની વિગતો સામે આવી છે.




