Ahmedabad

અમદાવાદ: પેપર લીક-કથળતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે NSUIનું 'છાત્રો કી ગુંજ' અભિયાન, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષે દેશમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને વારંવાર પેપર લીક થવા અંગે ચિંતા વ્યક્ત કરી. NEET-NET જેવી પરીક્ષાઓમાં પેપર ફૂટતા વિદ્યાર્થીઓ તણાવમાં છે. NSUI દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'છાત્રો કી ગુંજ' અભિયાન શરૂ કરાયું છે. 28 શહેરોમાં ચાલનારા આ અભિયાનનો હેતુ ભ્રષ્ટ શિક્ષણ પ્રણાલી સુધારવા, પેપર માફિયાઓ સામે કડક કાયદો બનાવવાનો અને NTA બંધ કરવાની માંગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પેપર લીક-કથળતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે NSUIનું 'છાત્રો કી ગુંજ' અભિયાન, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

Ahmedabad News: અમદાવાદ ખાતે પત્રકારોને સંબોધતા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત અને સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને વારંવાર થતાં પેપર લીક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં NEET અને નેટ જેવી પરીક્ષાઓમાં પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ સમસ્યાઓને વાચા આપવા અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધવા માટે NSUI દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વમાં દેશભરમાં 'છાત્રો કી ગુંજ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ભ્રષ્ટ થઈ ચૂકેલી શિક્ષણ પ્રણાલીમાં સુધારો લાવવા, પેપર માફિયાઓ સામે કડક કાયદો બનાવવા અને NTA જેવી ખાનગી સંસ્થાને બંધ કરવાની માગ કરવાનો છે.

પેપર લીક-કથળતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે NSUIનું 'છાત્રો કી ગુંજ' અભિયાન

NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડે જણાવ્યું કે, 'ગુજરાત અને સમગ્ર દેશમાં શિક્ષણ વ્યવસ્થા કેટલી હદે કથળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 22થી વધુ અને દેશમાં 89થી વધુ પેપર ફૂટી ગયા છે, જે સરકારની કામગીરી પર મોટો સવાલ ઊભો કરે છે. NEET પરીક્ષાનું પેપર વારંવાર લીક થવાને કારણે 21થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે, છતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હજુ સુધી રાજીનામું આપ્યું નથી.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'સરકારી યુનિવર્સિટીઓની હાલત એટલી ખરાબ છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પર પંખા અને છત પડી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણનું સંપૂર્ણ ખાનગીકરણ થઈ ગયું છે, ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી નથી, સમયસર ભરતીઓ થતી નથી અને યુનિવર્સિટીઓની આસપાસ યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. એવું સ્પષ્ટ લાગે છે કે સરકાર પોતે જ પેપર માફિયાઓને રક્ષણ આપી રહી છે, જેના કારણે લોન અને દેવું કરીને પોતાના બાળકોને ભણાવતા માતા-પિતા અને વિદ્યાર્થીઓ આજે ભારે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.'

આ પણ વાંચો: સુરતમાં વેપારીઓને બેવડો માર: પૂરના કારણે ₹1000ની સાડી ₹50માં વેચવા મજબૂર, મદદને બદલે SMCએ સામાન જપ્ત કર્યો!

'છાત્રો કી ગુંજ' અભિયાન અંગે NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, 'વિદ્યાર્થીઓની આ સમસ્યાઓને જાણવા અને તેમની વચ્ચે જઈને સંવાદ સ્થાપિત કરવા માટે, અમે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં દેશના 28 શહેરોમાં 'છાત્રો કી ગુંજ' (વિદ્યાર્થીઓનો અવાજ) અભિયાન ચલાવી રહ્યા છીએ, જેની શરૂઆત આજે અમે અમદાવાદથી કરી રહ્યા છીએ. અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશમાં પેપર લીક સામે કડક કાયદો બનવો જોઈએ, ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયેલી NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) જેવી ખાનગી સંસ્થાને તાત્કાલિક બંધ કરવી જોઈએ અને નિષ્ફળ ગયેલા શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. આ મુદ્દો કોઈ પક્ષનો નથી પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે, અને જો વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવવો એ રાજનીતિ કહેવાતી હોય તો આ રાજનીતિ સૌએ કરવી જોઈએ. NSUI વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ન્યાય માટે રસ્તાથી લઈને ગૃહ સુધી આ લડત સતત ચાલુ રાખશે.'