નવરાત્રિના તહેવાર વચ્ચે અમદાવાદના રિંગ રોડ અને હાઈવે પર અકસ્માતની વણઝાર: બે દિવસમાં 4 લોકોના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Accidents Incident Navratri Ahmedabad: નવરાત્રિ પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં રાત્રે અને વહેલી સવારના ટ્રાફિકની અવરજવર વધી છે ત્યારે રિંગ રોડ અને હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન હંકારવાના અને રોડ પર ભયજનક રીતે પાર્ક કરાયેલાં વાહનોના કારણે ગંભીર અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. શહેરના સનાથલ, ઓઢવ અને અસલાલી-કમોડ સર્કલ નજીક છેલ્લા બે દિવસમાં બનેલા ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 4 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ટ્રાફિક પોલીસે ત્રણેય કેસોમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સનાથલથી ઉજાલા જતાં કન્ટેનર ટ્રકની પાછળ બાઈક અથડાતાં 2ના મોત
પ્રથમ ઘટનામાં, 13 ઓક્ટોબરની રાત્રે આશરે સવા નવ વાગ્યાના સુમારે સનાથલથી ઉજાલા તરફ જતા રોડ પર સનાથલ રેલવે બ્રિજ ઉતરતાં પોલારીસ શોરૂમ સામે અકસ્માત સર્જાયો હતો. જ્યાં જાહેર રોડ ઉપર કોઈ પણ પ્રકારની સેફ્ટી, રેડિયમ રિફ્લેક્ટર કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વિના બેદરકારીપૂર્વક પાર્ક કરેલા કન્ટેનર ટ્રકની પાછળ બાઈક અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બાઈકસવાર મોરૈયા ખાતે નોકરી કરતા હર્ષદકુમાર ઉર્ફે રવિ અરવિંદભાઈ મઢવી(ઉં.વ. 24) તથા તેના મિત્ર શનિ બળદેવભાઈ રાવળ(ઉં.વ. 20) બંનેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતાં 108ના તબીબે સ્થળ પર જ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતક હર્ષદના નાના ભાઈ નિલેષકુમાર અરવિંદભાઈ મઢવીની ફરિયાદના આધારે એસ.જી.-2 ટ્રાફિક પોલીસે ઝારખંડના કન્ટેનર ચાલક સાહેબખાન અજીમખાન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત
બીજી ઘટનામાં, 11 ઓક્ટોબરના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના સુમારે ઓઢવથી નિકોલ રિંગ રોડ ચાર રસ્તા વચ્ચે એક હોટલ સામે રિંગ રોડ પર બની હતી. ડુંગરપુરના વતની અને અમદાવાદમાં કડિયાકામ કરતા શૈલેષ માણાભાઈ રોત(ઉં.વ. 22) પોતાની સ્પ્લેન્ડર મોટરસાઈકલ લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે રાજસ્થાન પાર્સિંગના ટેલર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી. ટાયર ફરી વળતાં શૈલેષનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ મામલે મૃતકના પિતા માણાભાઈ નાથાભાઈ રોતની ફરિયાદ પરથી 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો છે.
EVને ટક્કર મારી બોલેરો ચાલક ફરાર
ત્રીજી ઘટનામાં, 13 ઓક્ટોબરના રોજ સવારે એસ.પી. રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ સર્કલ ચાર રસ્તા પાસે સર્જાઈ હતી. લાંભા-નારોલ રહેતા અને ખેડા ખાતે કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ ભોળાભાઈ દુધાત (ઉં.વ. 33) પોતાના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર પર મકરબા ખાતે ઓફિસ મીટિંગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા બોલેરો પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારી હતી. ભાવેશભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બોલેરો ચાલક નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના પત્ની મનિષાબહેનની ફરિયાદ પરથી કે ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.




