અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બઢતી અને નિમણૂકનો ધમધમાટ, વિવિધ વિભાગોમાં મોટો ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Municipal Corporation Staff Promotion: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટાફ સિલેક્શન એન્ડ અપોઇન્ટમેન્ટ કમિટીની બેઠક મેયરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી, ઈજનેરી, હેલ્થ તેમજ લાઈટ વિભાગની જગ્યાઓ પર બઢતી, સ્વૈચ્છિક નિવૃત્તિ અને પ્રોબેશન પિરિયડ લંબાવવા સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વિભાગોના બઢતીના પ્રસ્તાવો મુલતવી રાખવામાં આવ્યા છે.
મુકેશ પટેલને HOD તરીકે બઢતી
કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયો મુજબ, વહીવટી કેડરમાં એચઓડી (HOD) કક્ષાની બઢતીપાત્ર એક જગ્યા પર ડેપ્યુટી એચઓડી મુકેશ બી. પટેલને એચઓડી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી એચઓડીની એક જગ્યા પર અસિસ્ટન્ટ મેનેજર કલ્પેશ દશરથલાલ પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે.
લાઈટ અને હેલ્થ વિભાગના અધિકારીઓને મળી બઢતી
લાઈટ, એસટીપી અને દૂધેશ્વર વોટર વર્ક્સ ખાતામાં રેશિયો મુજબ નવી ઊભી કરાયેલી એડિશનલ ચીફ એન્જિનિયરની બઢતીપાત્ર જગ્યા પર ડેપ્યુટી સિટી એન્જિનિયર વસંત બાબુ નિનામાને રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ તથા નિયત શરતોને આધીન બઢતી આપવાની મંજૂરી આપવામાં આવી છે.
હેલ્થ વિભાગ અંતર્ગત મધ્ય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. મિલન એચ. નાયકે (એમ્પ્લોયી નંબર 70092) સ્વાસ્થ્ય અને અંગત કારણોસર 3 માસનો નોટિસ પિરિયડ ગણી સ્વૈચ્છિક નિવૃત્તિની માંગણી કરી હતી. કમિટીએ તેમની અરજી ગ્રાહ્ય રાખીને આઠમી જુલાઈ 2026ના રોજ ઓફિસ સમય બાદ તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી છે.
ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટનો પ્રોબેશન લંબાવાયો
બીજી તરફ, ઝૂ ખાતાના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે પ્રોબેશન સમય પર નિમાયેલા અધિકારીનો અગાઉ લંબાવેલો 6 માસનો પ્રોબેશન પિરિયડ તા. 17 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થતો હોવાથી, તેને 18મી ફેબ્રુઆરી 2026થી વધુ 1 વર્ષ માટે અથવા આઈ.આર. વિભાગ દ્વારા આપવામાં આવેલી શો-કોઝ નોટિસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી (બેમાંથી જે વહેલું હોય તે) લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. શો-કોઝ નોટિસનો નિર્ણય સંબંધિત અધિકારી માટે બંધનકર્તા રહેશે.
રોડ-બિલ્ડિંગ અને વોટર વિભાગના પ્રમોશન મુલતવી
આ ઉપરાંત, પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ વિભાગના ડાયરેક્ટરની જગ્યા, ઈજનેર રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરની 3 બઢતીપાત્ર જગ્યાઓ તથા વોટર રિસોર્સ મેનેજમેન્ટ વિભાગમાં ડેપ્યુટી સિટી એન્જિનિયરની 18 બઢતીપાત્ર જગ્યાઓ પરના નિર્ણયો આગામી કમિટી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યા છે.




