Ahmedabad

અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ, હોટમિક્સ ડમ્પરમાં GPS ફરજિયાત, રોડ માટે 5 વર્ષની DLP

By GS Team
5 Oct 20264 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડના કામોમાં ગુણવત્તા અને રેકોર્ડ જાળવણી માટે નવી SOP જાહેર કરી છે. આ નવી કાર્યપદ્ધતિ હેઠળ, હોટમિક્સ ડમ્પરમાં GPS ટ્રેકિંગ, SCADA સિસ્ટમથી પેમેન્ટ, મટિરિયલ ટેસ્ટિંગ અને 5 વર્ષનો DLP ફરજિયાત બનાવાયો છે. કોન્ટ્રાક્ટર અને PMC દ્વારા વર્ષમાં 2 વખત રોડનું નિરીક્ષણ કરી રિપોર્ટ 311 પર અપલોડ કરાશે. આ પગલું રોડની ગુણવત્તા સુધારવા અને ભ્રષ્ટાચાર ઘટાડવા માટે લેવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં રોડના કામમાં કોન્ટ્રાક્ટરો પર કડકાઈ, હોટમિક્સ ડમ્પરમાં GPS ફરજિયાત, રોડ માટે 5 વર્ષની DLP
AI તસવીર

AMC Road Construction SOP: અમદાવાદમાં રોડ રિસરફેસિંગ, રોડ વાઇડનિંગ અને નવા રોડના કામોમાં ગુણવત્તા અને રેકોર્ડ જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી કાર્યપદ્ધતિ લાગુ કરી છે. રોડના કામ દરમિયાન મટિરિયલ ટેસ્ટિંગ, હોટમિક્સ પ્લાન્ટની કામગીરી, ડમ્પરની ટ્રેકિંગ સિસ્ટમ, બિલની ચકાસણી અને DLP (ડિફેક્ટ્સ લાયાબિલિટી પિરિયડ) હેઠળના રોડના નિરીક્ષણ સહિતની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. તેના માટે નવી SOP (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે.

હોટમિક્સ મટિરિયલના દરેક ડમ્પરમાં GPS ટ્રેકિંગ ડિવાઇસ ફરજિયાત

રોડના કામમાં ઉપયોગમાં લેવાતા હોટમિક્સ મટિરિયલના દરેક ડમ્પરમાં GPS ટ્રેકિંગ ડિવાઇસ લગાવવાનું રહેશે. ડમ્પર અંગેની પ્લાન્ટ અને સાઇટની વિગતો GPS સાથે સ્માર્ટ સિટી-311 પર ઉપલબ્ધ થયા બાદ જ બિલની ચુકવણી કરવાની રહેશે. એટલે હોટમિક્સ મટિરિયલ પ્લાન્ટથી સાઇટ સુધી પહોંચ્યું કે નહીં તેની ટ્રેકિંગ વ્યવસ્થા રહેશે.

SCADA અને વેઇબ્રિજના જથ્થામાંથી ઓછા જથ્થા મુજબ પેમેન્ટ

હોટમિક્સ પ્લાન્ટ પર SCADA સિસ્ટમનો અમલ રહેશે. રોડના કામ દરમિયાન SCADAમાં દર્શાવાયેલા જથ્થા પ્રમાણે પેમેન્ટ કરવાનું રહેશે, પરંતુ તે પહેલાં SCADAના જથ્થાની વે-બ્રિજના વજન સાથે ચકાસણી કરવાની રહેશે. બંનેમાંથી જે જથ્થો ઓછો હશે, તે જ જથ્થા મુજબ પેમેન્ટ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. SCADA ચાલુ ન હોવાને કારણે કામમાં વિલંબ થાય તો તેના આધારે સમયમર્યાદામાં વધારો પણ નહીં મળે.

બિટુમિનના રોડ માટે DLP 5 વર્ષ

રોડ રિસરફેસિંગ અને અન્ય સિવિલ કામોમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ (DLP)ની શરત પણ નક્કી કરવામાં આવી છે. બિટુમિનના કામ માટે DLP 5 વર્ષ અને અન્ય સિવિલ કામ માટે DLP 1 વર્ષ રાખવામાં આવી છે. DLP સાથેના રોડના કામના ટેન્ડર અલગથી મંજૂર કરાવવાના રહેશે.

DLPના રોડની વર્ષમાં બે વખત તપાસ

DLP હેઠળના રોડની ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ તપાસ કરવાની રહેશે. કોન્ટ્રાક્ટર, પીએમસી અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રોડની સંયુક્ત તપાસ કરી તેમાં રોડનું ધોવાણ, ખાડા વગેરેની સ્થિતિ નોંધવાની રહેશે. DLP દરમિયાન રોડમાં ખામી જણાય તો કરવામાં આવેલા રિપેરની વિગતો અને જરૂરી હોય તો અન્ય કોન્ટ્રાક્ટર પાસે કરાવેલા કામ તથા તેના ખર્ચની પણ નોંધ કરવાની રહેશે.

DLPના દરેક રોડનો રેકોર્ડ દર વર્ષે આપવો પડશે

પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે DLP હેઠળ આવતા દરેક રોડ માટે દર વર્ષે નિર્ધારિત ફોર્મ રજૂ કરવાનું રહેશે. તેમાં રોડની લંબાઈ-પહોળાઈ, પ્રોજેક્ટ ખર્ચ, ખર્ચાયેલી રકમ, પીએમસી અને કોન્ટ્રાક્ટરની વિગતો, DLPની શરૂઆત અને અંતિમ તારીખ, ચોમાસા પહેલાં-બાદની રોડની સ્થિતિ તથા સાઇટ વિઝિટના ફોટોગ્રાફ સહિતની વિગતો રહેશે. રોડનો DLP પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાક્ટર, પીએમસી અને કોર્પોરેશનના અધિકારીઓએ સંયુક્ત રીતે સાઇટની મુલાકાત લઈને નિર્ધારિત વિગતો ભરવાની રહેશે અને તે સ્માર્ટ સિટી-311 પર અપલોડ કરવાની રહેશે.

DLPવાળા રોડની વિગતો વેબસાઇટ પર જાહેર થશે

DLP હેઠળના રોડની વિગતો કોર્પોરેશનની વેબસાઇટ પર પણ અપડેટ કરવાની રહેશે. તેમાં રોડ, કોન્ટ્રાક્ટર, પીએમસી, લંબાઈ-પહોળાઈ, DLPની શરૂઆત-અંતની તારીખ તથા DLP દરમિયાન પ્રથમથી પાંચમા વર્ષ સુધી રોડની સ્થિતિની વિગતો રહેશે. આ માહિતી 1 જુલાઈ અને 1 નવેમ્બરે વેબસાઇટ પર અપડેટ કરવાની રહેશે.

કામ શરૂ કરતા પહેલાં મટિરિયલ ટેસ્ટ અને મિક્સ ડિઝાઇન મંજૂર કરાવવી પડશે

કોન્ટ્રાક્ટરે રોડના કામમાં વપરાતા કાચા માલના સેમ્પલ પીએમસીની હાજરીમાં લઈ NABL માન્ય લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાના રહેશે. મટિરિયલ યોગ્ય જણાયા બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ અને ટ્રાન્સપોર્ટના સ્પેસિફિકેશન મુજબ મિક્સ ડિઝાઇન તૈયાર કરાવી પીએમસીના વેરિફિકેશન સાથે રજૂ કરવાની રહેશે. કામ શરૂ કરતા પહેલાં સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવવી પડશે.

ગુણવત્તાના ટેસ્ટનું પણ વિભાજન

રોડના કામ દરમિયાન જરૂરી પરીક્ષણોમાંથી 80 ટકા ટેસ્ટ પ્લાન્ટ અથવા ફિલ્ડ લેબોરેટરીમાં, 10 ટકા રાજ્ય સરકાર માન્ય લેબોરેટરીમાં અને 10 ટકા GERI/સરકારી એન્જિનિયરિંગ કોલેજ/સરકારી પોલિટેકનિક કોલેજ અથવા કોર્પોરેશન સંચાલિત લેબોરેટરીમાં કરાવવાના રહેશે. ગુણવત્તા સંબંધિત તમામ ટેસ્ટ PMCના પ્રતિનિધિની હાજરીમાં કરવાના રહેશે અને કોર્પોરેશનના ઈજનેર અધિકારીએ તેની ખરાઈ કરવાની રહેશે.

ડામરના ઓરિજિનલ બિલ વગર ભાવ તફાવતની પ્રક્રિયા નહીં

રોડના કામમાં વપરાયેલા ડામરના ઓરિજિનલ ઇનવોઇસ રનિંગ અથવા ફાઇનલ બિલ સાથે રજૂ કરવાના રહેશે. એક જ પ્લાન્ટ પરથી એકથી વધુ ઝોન કે પ્રોજેક્ટમાં કામ થતું હોય તો સંયુક્ત બિટુમિન કન્ઝમ્પશન રજિસ્ટર જાળવવાનું રહેશે. ડામરના ભાવ તફાવતની ચુકવણી અથવા રિકવરી કરતાં પહેલાં ઓરિજિનલ ઇનવોઇસ અને બિટુમિન કન્ઝમ્પશન રજિસ્ટરની ચકાસણી કરવાની રહેશે.

રોડના કામના ફોટા અને ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ 311 પર

રોડના કામ દરમિયાન સાઇટ અને પ્લાન્ટના ફિલ્ડ ઇન્સ્પેક્શન રિપોર્ટ સ્માર્ટ સિટી-311 પર રજૂ કરવાના રહેશે. કામ શરૂ થતાં પહેલાં, કામ દરમિયાન અને કામ પૂર્ણ થયા બાદના ફોટોગ્રાફ પણ રેકોર્ડમાં રાખવાના રહેશે. પ્લાન્ટ અને પેવર સાઇટની તપાસ માટે અલગ-અલગ ફોર્મ પણ નક્કી કરવામાં આવ્યા છે.