અમદાવાદ: નવરંગપુરામાં ફેક KYC અને ઈન્વોઈસના નામે મની એક્સચેન્જ કંપનીમાં 40 લાખની છેતરપિંડી, મેનેજરે જ કંપનીને લગાવ્યો ચુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના નવરંગપુરામાં સ્થિત મની એક્સચેન્જ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા વડોદરાના દેવેન્દ્રસિંહ ગોહિલ સામે 40 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવા બદલ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. બોપલમાં રહેતા અને કંપનીના ક્લસ્ટર હેડ પરાગ ભટ્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ કંપનીઓ અને કાલ્પનિક કર્મચારી ઊભા કરી કૌભાંડ
ફરિયાદની વિગતો અનુસાર, આરોપી દેવેન્દ્રસિંહ ગોહિલ જૂન 2023માં સેલ્સ મેનેજર તરીકે જોડાયો હતો. તેને નવી કોર્પોરેટ કંપનીઓ ઉમેરીને બિઝનેસ વધારવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, તેણે હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને ઓક્ટોબર 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન 'અલાઈટ પ્રોજેક્ટ્સ' અને 'ચિકચેમ મેડિકલ' સહિત 8 જેટલી કોર્પોરેટ કંપનીઓના નામે સિસ્ટમમાં બોગસ કોડ જનરેટ કર્યા હતા.
ત્યારબાદ આ કંપનીઓના કાલ્પનિક કર્મચારીઓ દર્શાવી, આશુતોષ પાંડે, નરેશ વાધવાની અને અમર બોડે જેવા વ્યક્તિઓના બનાવટી પાસપોર્ટ તથા ફેક KYC દસ્તાવેજો રજૂ કર્યા હતા. તે આધારે 16 જેટલા બોગસ ઇન્વોઇસ બનાવી કુલ 40,08,941 રૂપિયાની કિંમતનું વિદેશી હૂંડિયામણ (ફોરેન કરન્સી) મેળવી લીધું હતું.
તપાસમાં છેતરપિંડીનો ઘટસ્ફોટ
લાંબા સમય સુધી આ કરન્સીની રકમ કંપનીના ખાતામાં જમા ન થતાં આંતરિક ઓડિટ શરૂ કરાયું હતું. કંપનીના અધિકારીઓ જોબી આઇઝેક અને પ્રહલાદ પરમારે સંબંધિત કોર્પોરેટ કંપનીઓના સંચાલકોનો રૂબરૂ સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, તેણે કોઈ ફોરેન કરન્સી મંગાવી જ નહોતી અને દસ્તાવેજોમાં દર્શાવેલા લોકો તેમના કર્મચારીઓ પણ નહોતા. પોતાના અંગત સ્વાર્થ માટે 40,08,941 રૂપિયાની ઠગાઈ કરવા બદલ નવરંગપુરા પોલીસે દેવેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.




