અમદાવાદ: દાણીલીમડા BRTS કોરિડોરમાં મોપેડની ટક્કરે આધેડનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના દાણીલીમડામાં આવેલા સ્વામીનારાયણ કોલેજ નજીક બીઆરટીએસ કોરિડોરમાં શુક્રવારે (11મી સપ્ટેમ્બર) રાત્રે પૂરઝડપે આવેલા મોપેડચાલકે રોડ ક્રોસ કરી રહેલા 45 વર્ષીય આધેડને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન શનિવારે (12મી સપ્ટેમ્બર) સવારે તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કે ટ્રાફિક પોલીસે અજાણ્યા મોપેડચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણો કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, શાહઆલમ દાણીલીમડા સ્થિત વાસુદેવ ધનજીના છાપરા ખાતે રહેતા 45 વર્ષીય નરસીહ ભીલ છૂટક મજૂરીકામ કરે છે. શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ તે સ્વામીનારાયણ કોલેજ દશામાના મંદિર સામે આવેલા બીઆરટીએસ કોરિડોરમાંથી ચાલતા-ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન ભુલાભાઈ ચાર રસ્તા તરફથી બીઆરટીએસ કોરિડોરમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા મોપેડચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ નરસીહ જમીન પર પટકાયા હતા અને તેમને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવને પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત નરસીહને તાત્કાલિક સારવાર માટે મણિનગરની એલ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ ગંભીર હાલત જણાતાં તેને એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે મોપેડચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે મોપેડચાલકની શોધખોળ શરૂ કરી છે.
પ્રતિબંધ છતાં ખાનગી વાહનો બીઆરટીએસ ટ્રેકમાં બેફામ દોડે છે
સુરક્ષા વ્યવસ્થા ક્યાં?: બીઆરટીએસ કોરિડોરમાં સામાન્ય વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ અને દંડની જોગવાઈ હોવા છતાં રાત્રિના સમયે સ્વિંગ ગેટ ખુલ્લા રહેતા હોવાથી ખાનગી વાહનચાલકો શોર્ટકટ માટે બેરોકટોક ટ્રેકમાં વાહનો હંકારે છે.
નિયમોના ધજાગરા: ભુલાભાઈ ચાર રસ્તાથી દાણીલીમડા તરફ જતા માર્ગ પર મોડી રાત્રે ટ્રાફિક પોલીસ કે સુરક્ષા જવાનોની ગેરહાજરીનો લાભ ઉઠાવી ટુ-વ્હીલર ચાલકો અતિ ઝડપે પસાર થતા હોવાથી અવારનવાર રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે.




