Ahmedabad

અમદાવાદ: લક્ઝરી બસમાંથી 11 લાખના iPhone ચોરનાર આરોપી રાજસ્થાનના જંગલમાંથી ઝડપાયો, મોબાઈલ દુબઈ મોકલાયાનો ઘટસ્ફોટ

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 15મી ઓગસ્ટે લક્ઝરી બસમાંથી 10.70 લાખના 14 આઈફોનની ચોરીનો ભેદ રામોલ પોલીસે ઉકેલ્યો છે. રાજસ્થાનના પાલીમાંથી ફાર્મસી ગ્રેજ્યુએટ ગજેન્દ્રસિંહ રાજપૂતની ધરપકડ કરાઈ. ચોરીના ફોન ખરીદનાર મોહસીનની પણ અટકાયત થઈ છે. આરોપીઓએ આઈફોન દુબઈ મોકલી દીધા હોવાનું ખુલ્યું છે. ગજેન્દ્રસિંહે એક ફોન ગર્લફ્રેન્ડને ભેટમાં આપી, બાકીના વેચી નાખ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: લક્ઝરી બસમાંથી 11 લાખના iPhone ચોરનાર આરોપી રાજસ્થાનના જંગલમાંથી ઝડપાયો, મોબાઈલ દુબઈ મોકલાયાનો ઘટસ્ફોટ

Ahmedabad iPhone Theft Case: મહારાષ્ટ્રના પુણેથી અમદાવાદ આવેલી લક્ઝરી બસમાંથી 15મી ઓગસ્ટના રોજ 10.70 લાખ રૂપિયાની કિંમતના 14 આઈફોનની ચોરીનો ભેદ રામોલ પોલીસ અને ઝોન-5 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં મૂળ રાજસ્થાનના અને ફાર્મસી ગ્રેજ્યુએટ એવા આરોપી ગજેન્દ્રસિંહ રાજપૂતની રાજસ્થાનના પાલી જિલ્લા સ્થિત સુમેરપુરના જંગલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ ઉપરાંત ચોરીના મોબાઈલ ફોન ખરીદનાર અમદાવાદના મોહસીન નામના શખસની પણ અટકાયત કરવામાં આવી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોરાયેલા આઈફોન દુબઈ મોકલી આપવામાં આવ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

જોણો કેવી રીતે ચોરી કરી

મળતી માહિતી અનુસાર, પુણેમાં મોબાઈલનો વેપાર કરતા સુરેશ ઠાકોરે અમદાવાદના આશ્રમ રોડ પર દુકાન ધરાવતા સલમાન નામના વેપારીને આ 14 આઈફોન લક્ઝરી બસ મારફતે પાર્સલમાં મોકલ્યા હતા. પુણેની એક હોસ્પિટલ/મેડિકલ સ્ટોરમાં 25 હજાર રૂપિયાના પગારે નોકરી કરતો 32 વર્ષીય આરોપી ગજેન્દ્રસિંહ પણ આ જ બસમાં મુસાફરી કરી રહ્યો હતો.

image.png

આરોપી સામે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો

પુણેથી બસ ઉપડતી વખતે જ્યારે વેપારી બસના ડ્રાઈવરને કીમતી પાર્સલ સાચવવાની સૂચના આપી રહ્યો હતો, ત્યારે નજીકમાં થૂંકવાના બહાને ઉભેલા ગજેન્દ્રસિંહે આ વાત સાંભળી લીધી હતી અને તકનો લાભ ઉઠાવી પાર્સલની ચોરી કરી લીધી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ગજેન્દ્રસિંહ સામે અગાઉ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે.

એક આઈફોન ગર્લફ્રેન્ડને ભેટમાં આપ્યો

ચોરીના ફોન મોહસીનને વેચીને મળેલી રકમમાંથી આરોપી ગજેન્દ્રસિંહે ઉદયપુરના એક આલીશાન રિસોર્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે મુકામ કર્યો હતો અને તેને પણ એક આઈફોન ભેટમાં આપ્યો હતો. ત્યારબાદ પોલીસ પકડથી બચવા તેણે પોતાના મોબાઈલનું સિમકાર્ડ અને ઈન્ટરનેટ બંધ કરી દીધું હતું અને માત્ર ડોંગલ/વાઈ-ફાઈ મારફતે વોટ્સએપ કોલથી જ સંપર્કમાં રહેતો હતો. આખરે તે જવઈ લીપાર્ડ સેન્ચ્યુરી નજીક આવેલા પોતાના સંબંધીના ઘરે સંતાયો હોવાની સચોટ બાતમીના આધારે LCBની ટીમે દરોડો પાડી તેની અટકાયત કરી હતી. ધરપકડ વખતે પોલીસને આરોપી પાસેથી અન્ય આઈફોન અને 8500 રૂપિયા રોકડા મળીને કુલ 2,28,500 રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં સફળતા મળી છે.