દ્વારકામાં હતા ને જગન્નાથજીનો હુકમ થયો! અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું', 7 વર્ષની પ્રતીક્ષા પૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jagannath Rathyatra 2026: અમદાવાદમાં અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં 'મામેરું' કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ વર્ષે ભગવાનનું આ પરમ આકર્ષણ એવું 'મામેરું' કરવાનો સુઅવસર સરસપુરના જ વતની અને જાણીતા ઉદ્યોગપતિ તેજસ દવેના પરિવારને પ્રાપ્ત થયો છે. વર્ષોની પ્રતીક્ષા અને મંદિરની ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી પામ્યા બાદ, દવે પરિવારમાં અત્યારે દિવાળી જેવો માહોલ છે.
દ્વારકાની યાત્રાએ હતા ને મળ્યા ખુશખબર: 7 વર્ષની પ્રતીક્ષાનો આવ્યો અંત
નાનપણથી જ સરસપુરમાં રહીને 1 થી 5 ધોરણ સુધી અભ્યાસ કરનાર તેજસ દવેની ઈચ્છા ભગવાનના મામેરાનો લાવો લેવાની હતી. તેઓ છેલ્લા 5 થી 7 વર્ષથી સતત આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આ વર્ષે જ્યારે તેઓ દ્વારકાની યાત્રાએ હતા, ત્યારે જ મંદિર તરફથી ડ્રોમાં તેમનું નામ નીકળ્યાના સમાચાર મળ્યા હતા. આ ખુશખબર સાંભળતા જ સમગ્ર પરિવાર ભાવવિભોર થઈ ગયો હતો. 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' સમજીને તેમણે ભગવાનના સ્વાગતની ભવ્ય તૈયારીઓ આરંભી દીધી હતી.

વૃંદાવનનું કાપડ અને માણેકચોકના અલંકારો બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાનના મામેરાની વિશેષતા અંગે વાત કરતા તેજસ દવેએ જણાવ્યું કે, ત્રણેય ભગવાન (ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી) ના વસ્ત્રો એટલે કે વાઘા માટેનું ખાસ કાપડ પવિત્ર ભૂમિ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે. આ કાપડ પર દરિયાપુરમાં મોર અને મોરપીંછની અદભુત અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, ભગવાન માટેના તમામ સોના-ચાંદીના કિંમતી અલંકારો, જેમાં ભવ્ય મુગટ, હાર અને ચેન સામેલ છે, તે અમદાવાદના સુપ્રસિદ્ધ માણેકચોક બજારમાં ખાસ ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવ્યા છે.
દવે પરિવારના આંગણે ઉત્સવ: શોભાયાત્રા અને ભજન સંધ્યાનું આયોજન
આ પાવન પ્રસંગે દવે પરિવારના નિવાસ્થાન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે રવિવારે તેમના ઘરે ભગવાનના આગમન સાથે જ એક ભવ્ય અને ઉત્સાહભરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ મહોત્સવમાં માત્ર તેમનો પરિવાર કે સમાજ જ નહીં, પરંતુ આજુબાજુના ગામના લોકો અને સોસાયટીના રહીશો પણ દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
સવારની શોભાયાત્રા અને મહાપ્રસાદ બાદ, સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન ભજન સંધ્યા તેમજ રાત્રે 8 થી 11 વાગ્યા સુધી પ્રખ્યાત સરડવની ભજન મંડળીના ત્રિવેણી સંગમ સાથે રાત્રિ ભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.









