અમદાવાદમાં દારૂનો જથ્થો મુકવા માટે ગોડાઉન ભાડે રાખ્યું, નાના વાહનોથી હેરાફેરી, બે આરોપી સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Liquor Raid: અમદાવાદના છેવાડામાં આવેલા વહેલાલ સ્થિત એટલાન્ટીક ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ગોડાઉન પર કણભા પોલીસે દરોડો પાડીને છુપાવવામાં આવેલો રૂપિયા 16 લાખની કિંમતનો 6,500 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નવા નરોડામાં રહેતા ચિતરંગસિંહ ભદોરિયાએ દારૂનો જથ્થો મુકવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું.
અમદાવાદ જિલ્લાના વહેલાલમાં આવેલા એટલાન્ટીક ઇન્ડસ્ટ્રીયલ પાર્કના 125 નંબરના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લાવીને તેને નાના વાહનો દ્વારા અમદાવાદમાં પહોંચતો કરવામાં આવતો હોવાની બાતમીના આધારે કણભા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પર એક લોડિંગ રિક્ષામાં દારૂનો જથ્થો ભરતા બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા ગોડાઉનની ઓરડીમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 6,500 જેટલી બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે રૂપિયા 16 લાખ થાય છે.
આ ગોડાઉન ભાડે રાખીને નવા નરોડામાં રહેતા ચિતરંગસિંહ ભદોરિયા અન્ય રાજ્યમાંથી દારૂ મંગાવીને છુપાવતો હતો અને ત્યાંથી નાના વાહનોમાં ઓર્ડર મુજબ સપ્લાય કરતો હતો. પોલીસે આ કેસમાં ચિતરંગસિંહ અને ગોડાઉન ભાડે આપનાર નરેશ ગોવિંદરામ (રહે. શિલ્પ સૃષ્ટિ બંગલોઝ, બિલાસિયા) વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.









