Ahmedabad

અમદાવાદ રથયાત્રાની કેવી તૈયારી? રુટ પર ત્રણ વર્ષમાં 130થી વધુ મકાનના જોખમી ભાગો ઉતારી લેવાયા, ધાબા પર ભીડ પણ કંટ્રોલ કરાશે

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે તંત્ર સજ્જ છે. શાંતિપૂર્ણ માહોલ માટે 270થી વધુ ભયજનક મકાનોને નોટિસ, 139 જોખમી ભાગો દૂર કરાયા છે. 544 બાંધકામો પર નજર રહેશે. રોડ રિસરફેસ, પાણી, આરોગ્ય અને સુરક્ષા માટે 97 CCTV કેમેરા, 100થી વધુ હેલ્થ વર્કર્સ અને 207 ફાયર જવાનો તૈનાત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ રથયાત્રાની કેવી તૈયારી? રુટ પર ત્રણ વર્ષમાં 130થી વધુ મકાનના જોખમી ભાગો ઉતારી લેવાયા, ધાબા પર ભીડ પણ કંટ્રોલ કરાશે
ફાઈલ તસવીર

Ahmedabad Jagannath Rath Yatra 2026: આગામી 16 જુલાઈ 2026ના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શાંતિપૂર્ણ, સલામત અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાથી લઈને રસ્તા અને સ્વાસ્થ્ય સુધીની તમામ સુવિધાઓ માટે ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં રથયાત્રા રૂટ પરના 270થી વધુ ભયજનક મકાનોને નોટિસ આપી 130થી વધુ જોખમી ભાગો ઉતારી લેવામાં આવ્યા છે.

જર્જરિત મકાનો સામે કડક ઝુંબેશ, 544 બાંધકામો પર રહેશે નજર

રથયાત્રાના રૂટ પર આવતા જોખમી મકાનોને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા વ્યાપક ડ્રાઇવ ચલાવવામાં આવી છે. મધ્ય ઝોનમાં 253 અને ઉત્તર ઝોનમાં 18 મળીને કુલ 270થી વધુ ભયજનક મકાનોને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં 139 જેટલા મકાનોના જોખમી ભાગો તોડી પાડવામાં આવ્યા છે. અત્યંત જર્જરિત બિલ્ડિંગો પાસે લોકો ન જાય તે માટે પતરાં અને ગ્રીન નેટથી આડશ ઊભી કરાઈ છે. રથયાત્રાના દિવસે રૂટ પરના તમામ 544 બાંધકામો ઉપર સ્થાનિક પોલીસ સાથે AMCના એક-એક કર્મચારી તૈનાત રહેશે, જેથી ધાબા કે મકાનની નીચે લોકો ભીડ ન કરે. આ ઉપરાંત રથને નડતરરૂપ મોટા વૃક્ષોનું ટ્રિમિંગ પણ કરી દેવાયું છે.

20250627071f.jpg

રથયાત્રાની તૈયારીઓ અંગે વિગતો આપતા અમદાવાદના મેયરે કહ્યું હતું કે-

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજન સાથેની તમામ કામગીરી પૂર્ણ કરી લેવાઈ છે. ભગવાનના રથ, લાખોની સંખ્યામાં ઉમટનારા શ્રદ્ધાળુઓ અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગોને ઍલર્ટ કરી દેવાયા છે.

કરોડોના ખર્ચે રોડ રીસરફેસ અને સ્માર્ટ વોટર લોગિંગ મેનેજમેન્ટ

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને વિશેષ રોડ અને પંપિંગ આયોજન કર્યું છે

  • મધ્ય ઝોનમાં 2800 મીટર રોડનું રીસરફેસિંગ, 4584 ચોરસ મીટરનું પેચ વર્ક અને 5200 મીટર નવી ફૂટપાથ બનાવવામાં આવી છે.
  • ઉત્તર ઝોન (સરસપુર)માં રૂ. 4.86 કરોડના ખર્ચે RCC રોડ અને પેવર બ્લોકનું કામ કરાયું છે, જ્યારે જમાલપુર ચાર રસ્તાથી ખમાસા સુધી રૂ. 19 કરોડના ખર્ચે હેરિટેજ થીમ આધારિત રોડ અને પ્લાઝા પ્રોજેક્ટ પૂર્ણ કરાયો છે.
  • જો રથયાત્રા દરમિયાન વરસાદ પડે તો શાહપુર માધ્યમિક સ્કૂલ પાસે 'વરુણ પંપ' અને અન્ય સંવેદનશીલ સ્પોટ્સ પર સુપર સક્કર મશીનો તેમજ ટ્રોલી માઉન્ટેડ પંપ સ્ટેન્ડ-ટુ રાખવામાં આવશે. ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાના કિસ્સામાં હાઇફ્લો જેટીંગ મશીન તૈનાત રહેશે.
20250627114F (1).jpg

હેલ્થ ઈમરજન્સી તથા ફાયર બ્રિગેડનું કડક સુરક્ષા કવચ

ભક્તોનું સ્વાસ્થ્ય અને ઇમરજન્સી સેવાઓ માટે 100થી વધુ હેલ્થ વર્કર્સ અને 207 ફાયર જવાનો તૈનાત રહેશે. રથયાત્રાની આગળ અને પાછળ સતત 1-1 એમ્બ્યુલન્સ દોડતી રહેશે. આ ઉપરાંત જમાલપુર મંદિર, દાણાપીઠ, સરસપુર, દરિયાપુર અને શાહપુર ખાતે સ્પેશિયલ મેડિકલ ટીમો હાજર રહેશે, જેમાં 15 મેડિકલ ઓફિસરો ફરજ બજાવશે. AMC હસ્તકની તમામ હૉસ્પિટલોને પણ ઍલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા મિની ફાયર ફાઇટર, વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સ સહિત કુલ 31 વાહનોનો કાફલો સ્ટેન્ડ-બાય રહેશે.

97 CCTV કેમેરાથી મોનિટરિંગ અને સ્માર્ટ લાઇટિંગ

સમગ્ર રૂટનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાલડી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરથી 97 સીસીટીવી કેમેરા દ્વારા લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનો અને મુખ્યમંત્રી નિવાસસ્થાને સીધા પ્રસારણ માટે હાઇ-સ્પીડ કનેક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટના 745 સ્ટ્રીટલાઇટ પોલ્સ ચેક કરીને અંધારાવાળા વિસ્તારોમાં 560 એલ.ઈ.ડી. ફ્લડ લાઇટો ફીટ કરાઈ છે. પાવર બેકઅપ માટે ટોરેન્ટ પાવરના સહયોગથી 11 ડી.જી. સેટ પણ ગોઠવવામાં આવ્યા છે.

સ્વચ્છતા, શુદ્ધ પાણી અને અંકુશિત હાથીઓ માટે ખાસ પ્લાન

  • સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રૂટ પરથી અંદાજે 7 ટન જેટલી માટી અને કીચડ દૂર કરવામાં આવ્યો છે. સરસપુરમાં રસોડાવાળી જગ્યાઓ સહિત સમગ્ર રૂટને ફિનાઇલથી ધોઈને જંતુનાશક દવાઓ છાંટવામાં આવશે.
  • શ્રદ્ધાળુઓ માટે ઊભી કરાતી પાણીની પરબો પર કોર્પોરેશનના વોટર ટેન્કરો દ્વારા સતત શુદ્ધ પીવાનું પાણી પૂરું પડાશે.
  • રથયાત્રા દરમિયાન જો કોઈ હાથી બેકાબૂ કે ઉત્તેજિત થાય તો તેને તુરંત કાબૂમાં લેવા માટે ફોરેસ્ટ અને પોલીસ વિભાગના સંકલન સાથે પ્રાણીસંગ્રહાલય(ઝૂ)ની ખાસ ટીમ હથિયારો અને ટ્રેન્ક્યુલાઇઝર ગન સાથે ખડેપગે રહેશે.
  • આ મહોત્સવના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે AMC દ્વારા રથયાત્રાના રૂટ પર 20થી વધુ બોક્ષ પિલર અને 50થી વધુ હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.