Ahmedabad

અમદાવાદ: મોટેરામાં શેઠે ઓફિસમાં યુવતીની છેડતી કરી સંબંધ રાખવા દબાણ કર્યું, અન્ય સહકર્મી સાથે પણ અડપલાં કર્યાનો ઘટસ્ફોટ

By GS Team
21 Nov 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના મોટેરા વિસ્તારમાં કંપનીના માલિક દ્વારા મહિલા કર્મચારીની છેડતીની ઘટના સામે આવી છે. ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી એકલતાનો લાભ ઉઠાવી માલિકે 20 વર્ષીય યુવતીનો બળજબરીપૂર્વક હાથ પકડી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. વધુમાં યુવતીના પતિની ઓછી આવકનો ઉલ્લેખ કરી પૈસા અને અલગ મકાનની લાલચ આપી છૂટાછેડા લેવાની વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મોટેરામાં શેઠે ઓફિસમાં યુવતીની છેડતી કરી સંબંધ રાખવા દબાણ કર્યું, અન્ય સહકર્મી સાથે પણ અડપલાં કર્યાનો ઘટસ્ફોટ
FILE PHOTO

Ahmedabad workplace harassment case : અમદાવાદના મોટેરા વિસ્તારમાં કંપનીના માલિક દ્વારા મહિલા કર્મચારીની છેડતીની ઘટના સામે આવી છે. ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી એકલતાનો લાભ ઉઠાવી માલિકે 20 વર્ષીય યુવતીનો બળજબરીપૂર્વક હાથ પકડી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. વધુમાં યુવતીના પતિની ઓછી આવકનો ઉલ્લેખ કરી પૈસા અને અલગ મકાનની લાલચ આપી છૂટાછેડા લેવાની વાત કરી હતી. આ ઘટના અંગે પીડિતાએ સહકર્મીને જણાવતા અગાઉ તેની સાથે પણ માલિક દ્વારા અડપલાં કર્યાનો ખુલાસો થયો હતો. જેથી બન્ને મહિલાઓએ પોતાના પરિવારને જાણ કર્યા બાદ શેઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઓફિસમાં એકલતાનો લાભ લઈ શેઠે યુવતી સાથે કરી છેડતી

સાબરમતી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ 11 મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને તે છેલ્લા 1 મહિનાથી પોતાની એક સહકર્મી મિત્ર સાથે મોટેરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં નોકરી કરતી હતી. ગત 18 નવેમ્બરે બપોરે 4 વાગ્યાની આસપાસ તેની સહકર્મી મિત્ર ઓફિસના કામથી મોટેરા વિસ્તારમાં આવેલી બેંકમાં ગઈ હતી અને હાઉસકીપિંગનું કામ કરતી અન્ય મહિલા રજા પર હોવાથી યુવતી ઓફિસમાં એકલી હતી. આ એકલતાનો લાભ ઉઠાવીને તેના શેઠ નિર્મલ મહેતાએ બપોરે 4:30 વાગ્યાની આસપાસ યુવતીને ફાઈલો ગોઠવવા આપી હતી અને અચાનક તેની સાથે હાથ મિલાવી તેના કામના વખાણ કરી મિત્રતા રાખવા માટે દબાણ કર્યું હતું.

યુવતીનો બળજબરીપૂર્વક હાથ પકડી બિભત્સ માગણી કરી સંબંધ રાખવા દબાણ કર્યું

યુવતીએ પોતાનો હાથ છોડાવી લેતા નિર્મલ મહેતાએ ફરીથી બળજબરીપૂર્વક તેનો હાથ પકડીને બિભત્સ માગણી કરી તેની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ જેમ તેમ કરીને પોતાનો હાથ છોડાવ્યા બાદ આરોપી શેઠે તેના પતિની ઓછી આવકની વાતનો ઉલ્લેખ કરીને તેને પૈસાની લાલચ આપી હતી અને પતિ સાથે છૂટાછેડા લઈ લે તો અલગ મકાન લઈ આપવાની તથા જે જોઈએ તે અપાવવાની વાત કરી હતી.

યુવતીએ સહકર્મીને જાણ કરતા તેની સાથે પણ છેડતી થયાનો ખુલાસો

યુવતીએ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને તેટલામાં તેની મિત્ર બેંકમાંથી પરત આવી જતા સાંજે 6 વાગ્યે બંને ઘરે નીકળી ગઈ હતી, પરંતુ આ બનાવથી ખૂબ જ ડરી ગયેલી યુવતીએ તે સમયે કોઈને જાણ કરી ન હતી. બીજા દિવસે સવારે નોકરી પર જતી વખતે યુવતીએ રસ્તામાં પોતાની સહકર્મી મિત્રને આગલા દિવસની સમગ્ર હકીકત જણાવી હતી, ત્યારે તેની મિત્રએ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે દિવાળીના થોડા દિવસો પહેલા નિર્મલ મહેતા તેને ઓફિસના કામથી ગાંધીનગર કોર્ટમાં પોતાની ગાડીમાં લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેને પણ પૈસાની લાલચ આપીને તેની સાથે અડપલા કર્યા હતા, પરંતુ સમાજમાં બદનામી થવાના ડરથી તેણે પણ આ વાત કોઈને કરી ન હતી.

બન્ને મહિલાઓએ શેઠ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

ત્યારબાદ બન્ને ઓફિસે પહોંચ્યા હતા અને સવારે 11 વાગ્યે નિર્મલ મહેતાએ યુવતીને આગલા દિવસની વાત કોઈને કરી નથી ને તેમ પૂછતા ડરના માર્યા તેણે ના પાડી દીધી હતી અને પોતાની મિત્રને લઈને ઓફિસમાંથી નીકળીને ઘરે જતી રહી હતી. ઘરે ગયા બાદ યુવતીએ તેના પતિને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરંતુ શરૂઆતમાં સમાજમાં બદનામી થવાના ડરથી તેઓ પોલીસ સ્ટેશને ગયા ન હતા. અંતે બન્ને મહિલાઓએ પોતપોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન જઈ પોતાની સાથે થયેલી છેડતી અને બિભત્સ માગણી બદ શેઠ નિર્મલ મહેતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.