અમદાવાદ: બાપુનગરમાં વૃદ્ધના મોબાઈલમાં અજાણતા APK ડાઉનલોડ કરતા ફોન હેક, બૅંક ખાતામાંથી ₹89 ઉપડી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad APK Scam: અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અજાણ્યા નંબરો કે લિંક મારફતે APK ફાઈલ મોકલીને મોબાઈલ હેક કરી બૅંક ખાતામાંથી નાણાં સેરવી લેતી ગેંગનો હવે બાપુનગરના એક વૃદ્ધ ભોગ બન્યા છે. 63 વર્ષીય વૃદ્ધ મોબાઈલમાં સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે અજાણતા જ એક શંકાસ્પદ APK એપ્લિકેશન ડાઉનલોડ થઈ જતાં તેનો ફોન હેક થઈ ગયો હતો અને ઠગોએ બૅંક ખાતામાંથી 89,996 રૂપિયા ઉપાડી લીધા હતા.
સર્ફિંગ દરમિયાન APK ફાઈલ ડાઉનલોડ થઈ અને ફોન હેક થયો
મળતી માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય કૃષ્ણકાંત ધોંડુરામ ગત 26મી તારીખના રોજ પોતાના મોબાઈલમાં સર્ફિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અજાણતા જ તેમના ફોનમાં 'iflix-2026.apk cfg-v5' નામની એક ફાઈલ ડાઉનલોડ થઈ ગઈ હતી. આ APK ફાઈલ ઈન્સ્ટોલ કે ડાઉનલોડ થતાંની સાથે જ સાયબર ક્રિમીનલ્સે તેનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો.
મોબાઈલ હેક થઈ ગયા બાદ સાયબર ઠગોએ કૃષ્ણકાંતના ખાતામાંથી ટુકડે-ટુકડે કુલ 89,996 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. બેંકમાંથી નાણાં કપાવાના મેસેજ આવ્યા બાદ તેમણે તુરંત બૅંકમાં જઈ તપાસ કરી હતી.બૅંક સ્ટેટમેન્ટ તપાસતાં જાણવા મળ્યું હતું કે આ રકમ બૅંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બૅંક, કેનેરા બૅંક અને બિહાર ગ્રામીણ બૅંકના જુદા જુદા અજાણ્યા ખાતાઓમાં જમા થઈ છે.
સગાની મદદથી સાયબર હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી
પોતાની સાથે મોટી સાયબર ઠગાઈ થઈ હોવાની જાણ થતાં વૃદ્ધે તુરંત પોતાના ભાણેજને સમગ્ર બાબતથી જાણ કરી હતી. ત્યારબાદ તેણે સાયબર હેલ્પલાઈન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી અને બાપુનગર પોલીસ મથકે બનાવ અંગે લેખિત રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




