અમદાવાદ: પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી હોય તો ભરી દેજો, AMCએ બે મિલકત રૂ. 1ના ટોકનથી હસ્તગત કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Property Tax Recovery: અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કુલ રૂ. 83,29,939નો પ્રોપર્ટી ટેક્સ બાકી રાખનાર પાંચ મિલકતધારકો સામે હરાજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, ત્રણ મિલકતધારકોએ મિલકતો લાંબા સમયથી બંધ હોવાનું દર્શાવતા પુરાવા રજૂ કરી બાકી ટેક્સ ભરવાની બાંહેધરી આપતાં તેમની મિલકતોની હરાજી મોકૂફ રાખવામાં આવી હતી. બીજી તરફ, બાકી ટેક્સ ભરવા કોઈ કાર્યવાહી ન કરનાર બે મિલકતની હરાજી પૂર્ણ કરી તેને રૂ. 1ના ટોકનથી AMC હસ્તક લેવામાં આવી છે.
પાંચ મિલકતધારકો સામે હરાજીની કાર્યવાહી માટે મંજૂરી મળી હતી
ઉત્તર-પશ્ચિમ ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા વારંવાર નોટિસ અને છેલ્લી ચેતવણી આપવા છતાં ટેક્સની રકમ નહીં ભરતા પાંચ મિલકતધારકો સામે હરાજીની કાર્યવાહી માટે મંજૂરી લેવામાં આવી હતી. ત્યારબાદ હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ મિલકતના માલિકોએ તેમની મિલકતો લાંબા સમયથી બંધ અને બિનઉપયોગી હોવાનું જણાવી અગાઉ કરાયેલી અરજીઓના પુરાવા રજૂ કર્યા હતા.
ત્રણ મિલકતોની હરાજી હાલ પૂરતી મોકૂફ
ત્રણેય મિલકતધારકોએ બાકી ટેક્સની આકારણી બાદ જે રકમ ભરવાની થાય તે સંપૂર્ણપણે ચૂકવવાની લેખિત બાંહેધરી આપી હતી. આ ઉપરાંત AMC કમિશનરના નામના કોરા ચેક પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમની રજૂઆતને ધ્યાને લઈ સત્તાધિકારીની મંજૂરી બાદ ત્રણેય મિલકતોની હરાજી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
બાકી રહેલી બે મિલકતને AMCએ હસ્તક લીધી
બીજી તરફ, બાકી રહેલી બે મિલકતના ધારકોએ પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે કોઈ કાર્યવાહી ન કરતાં તેમની સામેની હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હરાજી બાદ બંને મિલકતો રૂ. 1ના ટોકનથી AMC હસ્તક લેવામાં આવી છે.
કોનો કેટલો ટેક્સ બાકી?
બાકી રહેલા ટેક્સની વિગતો જોઈએ તો મેમનગરના R3 મોલના બીજા માળે આવેલા શો નં. 1થી 11 પર રૂ. 38,80,580, થલતેજના ડ્રાઇવ ઇન સિનેમા રોડ પર આવેલા માઇલસ્ટોનની ઓફિસ નં. 1001 પર રૂ. 13,94,749 અને માઇલસ્ટોનની અન્ય ત્રણ ઓફિસ પર રૂ. 10,64,464નો ટેક્સ બાકી હતો. આ ઉપરાંત સુવિધાનગર કો. ઓ. હા. સો.માં આવેલા ઓફિસ નં. 901 અને 902 પર રૂ. 13,35,601 તથા થલતેજના જે. બી. ટાવરની ઓફિસ નં. 709 પર રૂ. 65,45,45નો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે.
AMCએ સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં પણ સાતેય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સની બાકી વસૂલાત માટે મિલકતો ટાંચમાં લેવા, જપ્તી કરવાની તેમજ જરૂર પડે તો હરાજી કરીને બાકી રકમ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




