Ahmedabad

અમદાવાદ: વિરમગામના સચાણામાં મકાનના દરવાજા મુદ્દે જૂથ અથડામણ, 3 ઈજાગ્રસ્ત, 9 લોકો સામે ફરિયાદ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા બનતા મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાજપુતવાસમાં 9 શખ્સોના ટોળાએ લાકડીઓ વડે પિતા-પુત્ર સહિત 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. વૃદ્ધ નવલસંગ પરમારને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા. વિરમગામ રૂરલ પોલીસે 9 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: વિરમગામના સચાણામાં મકાનના દરવાજા મુદ્દે જૂથ અથડામણ, 3 ઈજાગ્રસ્ત, 9 લોકો સામે ફરિયાદ

Group Clash In Viramgam, Ahmedabad: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામમાં નવા બની રહેલા મકાનનો દરવાજો રસ્તા તરફ રાખવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક અથડામણની ઘટના સામે આવી છે. સચાણા ગામના રાજપુતવાસમાં નિર્માણાધીન મકાનમાં દરવાજાના મુદ્દે તકરાર વધતાં 9 લોકોના ટોળાએ લાકડીઓ સાથે ધસી આવી પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો.

લાકડીઓ વડે ઢોર માર માર્યો, વૃદ્ધના માથામાં ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, સચાણાના રાજપુતવાસમાં મકાન નિર્માણ દરમિયાન દરવાજો રસ્તા તરફ રાખવા અંગે તકરાર થઈ હતી. આ મુદ્દે ઉશ્કેરાઈને અજય ભરવાડ સહિત 9 શખસોનું ટોળું લાકડીઓ જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોએ ફરિયાદી, તેના પુત્ર અને પિતા નવલસંગ પરમાર પર તૂટી પડીને લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો. આ હુમલામાં નવલસંગ પરમારના માથાના ભાગે લાકડીનો જોરદાર ઘા વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

જાનથી મારી નાખવાની ધમકી આપી, ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

હુમલાખોરોએ જો મકાનનો દરવાજો તે તરફ મૂકવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વિરમગામની શિવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધ નવલસંગ પરમારને ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ હિંસક બનાવ અંગે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અજય ભરવાડ સહિત 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.