અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સના સ્ટાફની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી, 'હું આવીને ખરીદી જઈશ...' કહી યુવક ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Manek Chowk Jewellery Theft: અમદાવાદના માણેકચોક વિસ્તારમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક અજાણ્યા યુવકે મહિલા સ્ટાફની નજર ચૂકવીને લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. દુકાનના માસિક સ્ટોકની ગણતરી કરતી વખતે દાગીના ઓછા હોવાનું માલૂમ પડતાં જ્યારે CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા, ત્યારે કસ્ટમર બનીને આવેલા શખસે જ હાથફેરો કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે હવે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મંથલી સ્ટોકની ગણતરી કરતી વખતે ભાંડો ફૂટ્યો
મળતી માહિતી અનુસાર, આ ચોરીની ઘટના અંગે વાસણા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય જીગર શાહે ફરિયાદ નોંધાવી છે, તે માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવે છે. 30મી જૂનના રોજ મહિનો પૂરો થતો હોવાથી તેઓ પોતાની દુકાનમાં દાગીનાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોકમાં મોટી ઘટ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરતાં ખબર પડી કે તેમની દુકાનમાંથી કોઈ અજાણ્યો શખસ સોનાના દાગીના ચોરી ગયો છે.
'કાનના ઝુલા' જોતાં જોતાં જ બેગમાં પેકેટ સરાવી દીધું
મળતી માહિતી મુજબ, ગત 26મી જૂને બપોરે અંદાજે 12:30 વાગ્યે એક અજાણ્યો યુવક દાગીના ખરીદવાના બહાને જીનેશ્વર જ્વેલર્સમાં આવ્યો હતો. તે સમયે દુકાનમાં નોકરી કરતા મહિલા કર્મચારી આ યુવકને સોનાના કાનના ઝુલા બતાવી રહ્યા હતા. દાગીના જોતી વખતે આ શાતિર યુવકે મહિલાકર્મીની નજર ચૂકવી દીધી હતી. તેણે 18 કેરેટના 30 ગ્રામ વજનના સોનાના એક કાનના ઝુલાનું આખું પેકેટ જ પોતાની પાસે રહેલી બેગમાં મૂકી દીધું હતું. આ પેકેટમાં આશરે 2,80,000 રૂપિયાની કિંમતના 20થી 22 નંગ ઝુલા હતા.
ચોરીની આ વારદાતને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાની બીકે આ યુવકે મહિલા કર્મચારીને સ્માર્ટલી કહ્યું કે, "હું પાછળથી આવીને ખરીદી જઈશ…" અને ત્યાંથી ચાલતી પકડી હતી.
સીસીટીવીના આધારે પોલીસે તપાસ તેજ કરી
જ્વેલર્સે દુકાનના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરતાં અજાણ્યો શખસ નજર ચૂકવીને કાનના ઝુલાનું પેકેટ ચોરતો સ્પષ્ટપણે કેદ થયેલો જોવા મળ્યો હતો. આ વીડિયો ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. માણેકચોક જેવા ધમધમતા બજારમાં બપોરના સમયે થયેલી આ ચોરીથી સ્થાનિક વેપારીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.









