Ahmedabad

અમદાવાદ: YONO Cash અને APK ફાઈલથી લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, 18 બેંકોની નકલી એપ બનાવી

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઈમે 18 બેંકોની નકલી APK ફાઈલ બનાવી, SBIના 'YONO Cash'નો દુરુપયોગ કરી લોકોના ખાતા સાફ કરતી જામતારા ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર પૂર્ણાનંદ તિવારી સહિત 3 આરોપીઓને રેલવે પ્રોટેક્શન ફોર્સની મદદથી ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ માસ્ટરમાઇન્ડ નકલી બેંકિંગ એપ ડેવલપ કરીને ભાડે આપતો હતો. સાબરમતી ગેસના બિલના બહાને ₹6.68 લાખની છેતરપિંડીથી તપાસ શરૂ થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: YONO Cash અને APK ફાઈલથી લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, 18 બેંકોની નકલી એપ બનાવી

Jamtara Gang Busted In Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશની 18 જેટલી જાણીતી બેંકોની નકલી APK ફાઈલો બનાવીને અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના 'YONO Cash' ફીચરનો દુરુપયોગ કરી લોકોના ખાતા સાફ કરતી જામતારા બેલ્ટની એક અત્યંત હાઈટેક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગનો માસ્ટરમાઈન્ડ નકલી બેંકિંગ અને કસ્ટમર કેર એપ ડેવલપ કરીને અન્ય સાયબર ઠગોને ભાડે આપતો હતો. આ ટોળકી લોકોના મોબાઈલ હેક કરી એટીએમ (ATM) કાર્ડ વિના જ સુરત જેવા શહેરોમાંથી રોકડ રકમ ઉપાડી લેતી હતી. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની મદદથી ચાલુ ટ્રેને મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી સંગઠિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

Cyber Crime.jpg

સાબરમતી ગેસના બિલના બહાને ₹6.68 લાખની ઠગાઈથી શરૂ થઈ તપાસ

આ અંગે સાયબર ક્રાઈમ DCP લવીના સિંહાએ જણાવ્યું કે, 'અમારી પાસે એક ફરિયાદી આવ્યા હતા, જેમને સાબરમતી ગેસ લિમિટેડનું કનેક્શન રદ થવાનો મેસેજ મળ્યો હતો અને પેમેન્ટ માટે એક APK ફાઇલ ડાઉનલોડ કરતા તેમના ખાતામાંથી 6 લાખ 68,000 રૂપિયા ઉપડી ગયા હતા. આ એપીકે ફ્રોડની ફરિયાદ દાખલ કરી અમે તપાસ શરૂ કરી અને અમને ખૂબ મોટી સફળતા મળી છે, કારણ કે અમે ઝારખંડના જામતારા અને ગિરદીહ વિસ્તારના આ ફ્રોડ સાથે જોડાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી પૂર્ણાનંદ મુકેશ તિવારીને અમે મુંબઈથી ભાગતી વખતે બંગાળના કિશનગંજ પાસે આરપીએફની મદદથી ચાલુ ટ્રેનમાંથી પકડી પાડ્યો છે. તેની સાથે આ કામમાં જોડાયેલા બીજા બે આરોપીઓ વિકાસ દાસ અને સીતારામ મંડલની પણ અમે ધરપકડ કરી લીધી છે.'

યુટ્યુબથી શીખી આખી સિસ્ટમ

પૂર્ણાનંદ મુકેશ તિવારી ટેલિગ્રામ બોટ અને 18 જેટલી બેંક, RTO ઈ-ચલન તેમજ કસ્ટમર સપોર્ટની ડુપ્લિકેટ APK ફાઈલો બનાવવાનું કામ કરતો હતો. જ્યારે લોકો આ ફાઈલ ડાઉનલોડ કરે ત્યારે તેમનો વોટ્સએપ અને મોબાઈલ ડિવાઇસ હેક થઈ જતો હતો, જેનાથી તેઓ બેન્કના પાસવર્ડ અને વિગતો મેળવી લેતા હતા. પૂર્ણાનંદ મુકેશ તિવારી આ APK ફાઈલો 12,000 રૂપિયાના માસિક સબ્સ્ક્રિપ્શન પર તેના 300થી 400 ક્લાયન્ટ્સને વેચતો હતો અને તેમાંથી મહિને 40થી 50 લાખ રૂપિયા કમાતો હતો. અન્ય બે આરોપીઓ સપ્લાયર તરીકે કામ કરતા હતા, જેઓ દરેક ફાઈલ દીઠ 3000 રૂપિયાનું કમિશન રાખતા અને SBI YONOની કાર્ડલેસ સિસ્ટમનો દુરુપયોગ કરીને સુરત જેવા શહેરોમાં એટીએમમાંથી રોકડા પૈસા ઉપાડતા હતા, જ્યાં જ અમારી ટીમે તેમને ઝડપી લીધા હતા. આ ત્રણેયનો અગાઉ પણ ઇલેક્ટ્રિસિટી બિલ અને ઓટીપી ફ્રોડનો ગુનાઈત ઇતિહાસ છે અને તેમણે આ બધું યુટ્યુબ અને ટેલિગ્રામ પરથી જ શીખ્યું છે.

મુખ્ય આરોપી તિવારીને જ્યારે ખબર પડી કે અમારી ટીમ મુંબઈ આવી છે, ત્યારે તે કોલકાતા તરફ ભાગવા લાગ્યો હતો, પરંતુ અમે તેના હાથ પરના ટેટૂના નિશાનથી ઓળખ કરીને ચાલુ ટ્રેનમાં તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી અમને રોકડ મળી નથી, પરંતુ જે ડિવાઈસ મળ્યા છે તેમાંથી આવા ફ્રોડના અનેક મહત્ત્વના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ શહેરમાં જ આ પ્રકારના APK ફ્રોડની 12 NCRP ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં 5 FIR દાખલ થઈ છે, જેમાં કુલ 17 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ નોંધાયેલી ફરિયાદોની અમે આગળ વધુ તપાસ કરવામાં આવી રહી છે.