Ahmedabad

અમદાવાદ: ખોખરામાં વૃદ્ધાના ગળામાંથી ₹1.10 લાખની ચેઇન લૂંટી ભાગતા પિતા અને સગીર પુત્ર ઝડપાયો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ખોખરામાં 63 વર્ષીય વૃદ્ધાને ચપ્પુ બતાવી 1.10 લાખની સોનાની ચેઇન લૂંટનાર પિતા-પુત્રને લોકોએ ઝડપી પાડ્યા. 17 સપ્ટેમ્બરે પતિ સાથે બેંક જઈ રહેલા અમરાવતીદેવી ત્રિપાઠી પાસેથી મહાલક્ષ્મી કોલોની રોડ પર લૂંટ ચલાવી હતી. લૂંટારુઓનું ટુ-વ્હીલર સ્લિપ થતાં તેઓ પકડાઈ ગયા. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ખોખરામાં વૃદ્ધાના ગળામાંથી ₹1.10 લાખની ચેઇન લૂંટી ભાગતા પિતા અને સગીર પુત્ર ઝડપાયો

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં મહાલક્ષ્મી કોલોની રોડ પરથી પતિ સાથે બેંકમાં જઈ રહેલા 63 વર્ષીય વૃદ્ધાને ચપ્પુ બતાવી 1.10 લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઇન લૂંટી ભાગતા પિતા અને તેના સગીર પુત્રને લોકોએ ઝડપી લીધા હતા. લૂંટ ચલાવીને ભાગતી વખતે શંકાસ્પદોનું ટુ-વ્હીલર સ્લિપ થઈ જતાં લોકોએ બંનેને પકડી પોલીસ હવાલે કર્યા હતા. તપાસ દરમિયાન ટુ-વ્હીલર ચલાવી રહેલો આરોપી સગીર વયનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અમરાઈવાડીની રાવજી પટેલની ચાલીમાં રહેતા 63 વર્ષીય અમરાવતીદેવી રાજેન્દ્રપ્રસાદ ત્રિપાઠી ગત 17મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાના સુમારે પતિ સાથે મણિનગર અંડરબ્રિજ પાસે આવેલી બેન્કે જવા પગપાળા નીકળ્યા હતા. સવારે સાડા અગિયારેક વાગ્યે તેઓ ખોખરા સ્થિત મહાલક્ષ્મી કોલોની નજીક પહોંચ્યા ત્યારે પાછળથી એક ટુ-વ્હીલર પર બે અજાણ્યા શખસો આવ્યા હતા.

બંને શખસોએ રેઇનકોટ અને હેલ્મેટ પહેરીને મોં ઢાંકેલા હતા. તેઓએ પોતાનું વાહન વૃદ્ધા આગળ ઊભું રાખ્યું હતું. ત્યારબાદ પાછળ બેઠેલા શખસે નીચે ઊતરીને વૃદ્ધાને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ગળામાંથી 1.10 લાખ રૂપિયાની કિંમતની 12 ગ્રામ સોનાની ચેઇન બળજબરીથી આંચકી લીધી હતી.

ટુ-વ્હીલર સ્લિપ થતાં દંપતીએ બૂમાબૂમ કરી

ચેઇન આંચકીને બંને શખસો ટુ-વ્હીલર પર ભાગવા લાગ્યા હતા, પરંતુ થોડે દૂર જતાં જ તેનું વાહન અચાનક સ્લિપ થઈ ગયું હતું અને બંને રસ્તા પર પટકાયા હતા. આ સમયે દંપતીએ તુરંત બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા પિતા-પુત્રને પકડી પાડ્યા હતા. આ દરમિયાન વૃદ્ધાના પતિએ ઇમરજન્સી નંબર 112 પર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. નજીકમાં પેટ્રોલિંગ કરી રહેલી ખોખરા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બંનેને તાબામાં લઈ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.