Ahmedabad

અમદાવાદ: ગોતામાં 'હ્યુમન રાઇટ્સ'ના નકલી હોદ્દેદારે કારથી 2 લોકોને કચડ્યા, બંનેના દર્દનાક મોત, આરોપીની ધરપકડ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા-ગોતા રોડ પર 17મી સપ્ટેમ્બરે રાતે કારચાલક જયદીપ કાબંડિયાએ બે વ્યક્તિઓને અડફેટે લેતા બંનેના મોત થયા. અકસ્માત બાદ ફરાર થયેલા આરોપીની કારમાંથી માનવ અધિકાર આયોગનો લોગોવાળું બોર્ડ અને ફેક આઈકાર્ડ મળ્યું. સત્તાવાર હોદ્દો ન હોવા છતાં માનવ અધિકારના અધિકારી હોવાનો ઢોંગ કરવા અને અકસ્માત સર્જવા બદલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગોતામાં 'હ્યુમન રાઇટ્સ'ના નકલી હોદ્દેદારે કારથી 2 લોકોને કચડ્યા, બંનેના દર્દનાક મોત, આરોપીની ધરપકડ

Ahmedabad Gota Accident: અમદાવાદના સોલાથી ગોતા રોડ પર ગુરૂવારે (17મી સપ્ટેમ્બર) રાતે કારચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બે વ્યક્તિઓને અડફેટે લેતા બંનેના મોત મોત થયા હતા. આ અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થયેલા આરોપીની તપાસ કરતા પોલીસને તેની કારમાંથી માનવ અધિકાર આયોગનો લોગોવાળું બોર્ડ અને હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનું ફેક આઈકાર્ડ મળ્યું હતું. કોઈપણ સત્તાવાર હોદ્દો ન હોવા છતાં સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરીને માનવ અધિકારના અધિકારી હોવાનો ઢોંગ કરવા અને અકસ્માત કરવા બાબતે પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોતા બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત હતો

મળતી માહિતી અનુસાર, સોલા બ્રિજથી ગોતા તરફ જતા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક જયદીપ દિનેશ કાબંડિયા (કામળિયા)એ ફુલ સ્પીડમાં કાર હંકારીને રોડ ક્રોસ કરતા બે વ્યક્તિઓ રણજીત અને બહાદુરને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ગંભીર હતી કે બંને વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. અકસ્માત સર્જીને આરોપી પોતાની કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

કારમાંથી મળ્યું નકલી આઈકાર્ડ અને લાલ બોર્ડ

આ અકસ્માત અંગે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી જયદીપ પાસેથી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનું એક આઇકાર્ડ મળ્યું હતું. જે તેને ચિરાગભાઈ પટેલ નામના વ્યક્તિએ આપ્યું હોવાનું કીધું છે. આ ઉપરાંત આરોપીની ગાડીમાં ડ્રાઈવર સીટની આગળ એક લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. જેમાં માનવ અધિકાર આયોગનો લોગો અને માનવાધિકાર તથા હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા લખેલું હતું. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી કે તેના પરિવારના કોઈપણ સભ્ય માનવ અધિકાર આયોગમાં કોઈ જ પ્રકારની ફરજ બજાવતો જ નથી.

સત્તાવાર હોદ્દો ન હોવા છતાં લોકોમાં રોફ જમાવતો હતો

આરોપી જયદીપ અધિકૃત પદાધિકારી ના હોવા છતાં સામાન્ય વ્યક્તિઓમાં પોતે માનવ અધિકાર આયોગનો અધિકારી છે તેવી ખોટી છાપ અને માન્યતા ઊભી કરવાના ઈરાદે પોતાના વ્હીકલમાં આ બોર્ડ અને આઇકાર્ડનો ઉપયોગ કરતો હતો. આ રીતે પોતે જે પદ ધરાવતો નથી તેનો ઢોંગ કરવા બદલ અને ગેરકાયદે રીતે લોગો તથા બોર્ડનો ઉપયોગ કરી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.