અમદાવાદ: અમરાઈવાડીમાં ગેસ બિલના નામે વૃદ્ધ સાથે ₹1.40 લાખની સાયબર ઠગાઈ, વોટ્સએપ પર APK લિંક મોકલી ખાતું ખાલી કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Fraud: અમદાવાદમાં સાયબર ઠગોએ હવે ગેસ બિલ બાકી હોવાનું બહાનું બતાવી નકલી APK ફાઈલની લિંક મોકલી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. આવો જ એક કિસ્સો અમરાઈવાડી વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અદાણી ગેસનું બિલ અપડેટ કરવાના નામે એક વૃદ્ધના ખાતામાંથી 1.40 લાખ રૂપિયાની ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પીડિત વૃદ્ધે સાયબર હેલ્પલાઈન 1930 અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવી છે.
ગેસ કનેક્શન નંબર કહીને વિશ્વાસમાં લીધા
મળતી માહિતી અનુસાર, 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ અમરાઈવાડી ખાતે રહેતા અનિલકુમાર પટેલના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે અદાણી ગેસમાંથી બોલે છે તેમ કહીને તેમનું ગેસ બિલ બાકી હોવાનું જણાવી એપ અપડેટ કરવા કહ્યું હતું. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે ઠગે તેમના ગેસ કનેક્શન નંબરના છેલ્લા ચાર આંકડા પણ બોલી બતાવ્યા હતા.
નકલી APK લિંક મોકલી ઓટીપી વગર જ નાણાં સેરવી લીધા
ત્યારબાદ સાયબર ઠગે અનિલકુમારના વોટ્સએપ નંબર પર 'Gas_Bill_Update (3).apk' નામની એક નકલી ફાઈલની લિંક મોકલી તેના પર ક્લિક કરવા જણાવ્યું હતું. ઠગે ચાલુ કોલે જ ડેબિટ કાર્ડની વિગતો મેળવીને વારંવાર લિંક પર ક્લિક કરાવ્યું હતું, જેના કારણે ઓટીપી (OTP) જનરેટ થઈને બેન્ક ખાતામાંથી નાણાં કપાવા લાગ્યા હતા.
બેન્ક સ્ટેટમેન્ટ કઢાવતાં 1.40 લાખ ઉપડી ગયાની પોલ ખુલી
ખાતામાંથી નાણાં ડેબિટ થવાના મેસેજ આવવાનું શરૂ થતાં જ અનિલકુમારે પૂછપરછ કરી હતી, જેનાથી ગભરાઈને ઠગે ફોન કાપી નાખ્યો હતો. બીજા દિવસે તેમણે HDFC બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવતાં માલૂમ પડ્યું હતું કે તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ 1,40,000 રૂપિયા ઉપાડી લેવાયા છે. પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની ખાતરી થતાં તેમણે ત્વરિત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરી હતી અને બાદમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




