અમદાવાદના કૃષ્ણનગરમાં વૃદ્ધ સાથે 11.64 લાખની સાયબર ઠગાઈ, APK દ્વારા મોબાઈલ હેક કરી પેન્શન ખાતું સાફ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Fraud: અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતા એક 67 વર્ષીય વૃદ્ધને બેંક કર્મચારી તરીકે ઓળખ આપી ઠગે જાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ ફેક એપીકે (BOI.apk) ફાઈલ દ્વારા મોબાઈલ હેક કરી વૃદ્ધના પેન્શન ખાતામાંથી 12 જેટલા ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 11.64 લાખથી વધુની રકમ બારોબાર ટ્રાન્સફર કરી લેવામાં આવી છે.
કૃષ્ણનગરમાં રહેતા 67 વર્ષીય વસંતભાઈ મહાલે નામના વૃદ્ધ સાથે આ સાયબર ફ્રોડ થયો છે. ગત 20 જુલાઈના રોજ બપોરે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી કૉલ આવ્યો હતો. કૉલ કરનાર ઠગે પોતે બેંકમાંથી બોલતો હોવાનું કહીને વૃદ્ધ પાસેથી બેંક એકાઉન્ટની વિગતો પૂછી હતી. વૃદ્ધે આ પોતાનું પેન્શન એકાઉન્ટ હોવાનું જણાવતાં ઠગે આશરે એકાદ મિનિટ વાતચીત કરી કૉલ કાપી નાખ્યો હતો.
આ ઘટનાના બીજા દિવસે વહેલી સવારે વૃદ્ધના મોબાઈલમાં બેંકમાંથી રૂપિયા ડેબિટ થયાના અને OTPના સતત મેસેજ આવવા લાગ્યા હતા. વૃદ્ધે તુરંત પોતાના પુત્રને આ અંગે જાણ કરી બેંકિંગ એપ્લિકેશન ચેક કરાવી હતી. જેમાં તેમની જાણ બહાર ખાતામાંથી 12 જેટલા ટ્રાન્ઝેક્શનથી રૂ. 11,64,900 ટ્રાન્સફર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઠગે 'BOI.apk' નામની એક ફાઈલ મોકલીને વૃદ્ધ પાસે ઈન્સ્ટોલ કરાવી હતી, જેનાથી તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ વૃદ્ધ અને તેમના પુત્રએ બેંક શાખાનો સંપર્ક કર્યો હતો અને સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની ખાતરી થતાં પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.




