Ahmedabad

બોસનો ફોટો જોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ચેતજો! સાયબર માફિયાઓના ચીન-પાકિસ્તાન સુધી તાર

By GS Team
19 Aug 20264 mins read
TukuTouch Logo
અમદાવાદ સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી 2 આરોપીઓને ઝડપી 'બોસ સ્કેમ'નો પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને પાકિસ્તાન સાથે સંકળાયેલ આ કૌભાંડમાં માલવેર દ્વારા કંપનીના બોસના નામે સ્ટાફ પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવાતા હતા. તપાસમાં 22,000 OTP અને 4500થી વધુ સિમ કાર્ડ સર્વિસ પણ પૂરી પાડવામાં આવી હોવાનું ખુલ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોસનો ફોટો જોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ચેતજો! સાયબર માફિયાઓના ચીન-પાકિસ્તાન સુધી તાર

Ahmedabad Cyber Crime Busts International Boss Scam Linked to China and Pakistan | ભારતની વિવિધ કંપનીઓ અને ધંધાકીય ફર્મના ઈ-મેઈલ પર માલવેર વાયરસ મોકલીને કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા વોટ્સએપ એક્સેસ કર્યા બાદ કંપનીના મુખ્ય બોસનો ફોટો ડીપી રાખીને તેમના નામે મેસેજ કરીને સ્ટાફ પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવવાના સાયબર 'બોસ સ્કેમ'માં સંડોવાયેલા બે આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા પશ્ચિમ બંગાળથી ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં માત્ર સાયબર બોસ સ્કેમ જ નહીં પણ સાયબર ક્રિમિનલ્સને ઓટીપી અને સીમ કાર્ડ સર્વિસ પૂરી પાડવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત, મોટાભાગનું કૌભાંડ પાકિસ્તાનના ઈસ્લામાબાદ સ્થિત કોલ સેન્ટરથી ચલાવવામાં આવતું હોવાનું તેમજ માલવેર વાયરસ ચીનથી મોકલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે.

ચીનથી માલવેર એટેક કર્યા બાદ ઈસ્લામાબાદના કોલ સેન્ટરથી દેશમાં કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હતી

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર કેસ અંગે માહિતી આપતા જણાવ્યું કે ઝડપાયેલા આરોપીઓ સમગ્ર દેશમાં ચાલતા સાયબર બોસ કૌભાંડના અનેક કેસમાં સંડોવાયેલા હતા. જે ચાઈનીઝ ગેંગ દ્વારા દેશની વિવિધ કંપનીઓ કે ધંધાકીય એકમોના ઈ-મેઈલ પર માલવેર વાયરસ સાથેની ઝીપ ફાઈલ મોકલતા હતા. જે ડાઉનલોડ થતા જે કોમ્પ્યુટરનો એક્સેસ ચાઈનીઝ ગેંગ મેળવતી હતી અને તેમાં વોટ્સએપ એક્સેસના ડેટાના આધારે કંપનીના માલિકના ડીપીનો ઉપયોગ કરીને કંપનીના એકાઉન્ટન્ટને મેસેજ મોકલીને નાણાં ટ્રાન્સફર કરવા માટે સૂચના આપતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી દેશમાં અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓ સાયબર ક્રાઈમ આચરવાની સાથે સાયબર ક્રાઈમમાં સંકળાયેલી અન્ય ગેંગને ઓટીપી અને સીમ કાર્ડ સર્વિસ પણ પૂરી પાડતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓએ 22 હજાર ઓટીપીની સર્વિસ આપી હોવાનું જાણવા મળ્યું છે. એક ઓટીપી દીઠ તેમને 100 રૂપિયા કમિશન મળતું હતું. સાથે સાથે સાયબર ક્રિમિનલ્સને તે સીમ કાર્ડ પુરા પાડતા હતા. જેમાં અત્યાર સુધીમાં 4500થી વધુ સીમ કાર્ડ પણ તેમણે સપ્લાય કર્યા હતા. જેમાં કાર્ડ દીઠ તગડું કમિશન મળતું હતું. ભારતમાં થતા સાયબર બોસ ક્રાઈમમાં માલવેર વાયરસ હોંગકોંગથી ચાઈનીઝ ગેંગ મોકલતી હતી અને કોલ સેન્ટર પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં કાર્યરત હતા. આમ, પ્રથમવાર સાયબર ક્રાઈમ કરવાની સાથે સાયબર ક્રિમિનલને સર્વિસ પૂરી પાડતી ગેંગ પણ ઝડપાઈ છે. જે અંગે સાયબર ક્રાઈમની વિશેષ ટીમ તપાસ કરી રહી છે.

દેશના 10 હજાર ડીવાઈઝ સાથે કનેક્શન સામે આવ્યું

સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચાઈનીઝ ગેંગ સાથે મળીને દેશભરમાં મોબાઈલ ફોન અને કમ્પ્યુટરમાં વાયરસ મોકલતા હતા. ટેકનિકલ એનાલિસિસ કરતા તેમના દ્વારા મોકલવામાં આવેલા વાયરસ 10 હજાર જેટલા ડીવાઈઝમાં સક્રિય હતા. જેથી પોલીસે કેન્દ્ર સરકારના સંકલનથી મોટાભાગના ડીવાઈઝને વાયરસ ફ્રી કરતા કરોડોની છેતરપિંડી અટકી હતી.

સાયબર ફ્રોડથી બચવા માટે ક્યા ક્યા પગલા લેવા?

સાયબર ક્રાઈમથી બચવા માટે કેટલીક મહત્વની ટીપ પોલીસ દ્વારા આપવામાં આવી છે. જેમાં અજાણ્યા મોબાઈલ નંબર કે ઈ-મેઈલ પરથી આવતી ઝીપ ફાઈલ, ઈએક્સઈ ફાઈલ, કે એપીકે ફાઈલ ડાઉનલોડ ન કરવી. વોટ્સએપ કે ઈમેઈલ પર નાણાકીય વ્યવહાર માટે આવતા મેસેજની ખરાઈ કરવી. ખાસ કરીને માલવેર વાયરસને ડીટેક્ટ કરે તેવા એન્ટી વાયરસનો ઉપયોગ કરવો.

ક્યા આરોપીની સાયબર ક્રાઈમમા શું ભૂમિકા હતી?

ઈન્જામુલે બીએનો અભ્યાસ કર્યો હતો. તે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવામાં આવતા ડમી સીમ કાર્ડ અને વોટ્સએપ આધારિત સર્વિસમાં કામ કરતો હતો. તે ડમી સીમકાર્ડ એક્ટિવ કરવા માટે ઓટીપી સેવા આપતો હતો. આ પ્રકારની સર્વિસથી સાયબર ક્રિમનલ્સ દેશભરમાં સાયબર ક્રાઈમ આચરતા હતા. જ્યારે ઈમરાન અલી પિયાદા વિવિધ મોબાઈલ કંપની માટે સીમ કાર્ડ સેલનું કામ કરે છે. તે ગ્રાહકોના ડેટા અને ડોક્યુમેન્ટના આધારે તેમના નામે અન્ય સીમ કાર્ડ ઈસ્યુ કરતો હતો.

'બોસ' ના ડીપીથી વોટ્સએપ મેસેજ કરીને સાયબર ક્રાઈમ કરાતું!

આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ત્યારે ઊંચકાયો જ્યારે અમદાવાદમાં આવેલી એક કંપનીના માલિકના નામે એકાઉન્ટન્ટને વોટ્સએપ મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાં વોટ્સએપમાં તે કંપનીના માલિકનો ડીપી હોવાથી એકાઉન્ટન્ટે વિશ્વાસ કર્યો હતો. કંપનીના માલિકે તે એકાઉન્ટન્ટને જણાવ્યું હતું કે તે હાલ એક જગ્યાએ મીટીંગમાં છે અને તાત્કાલિક એક ક્લાઈન્ટને દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના છે. જેથી એકાઉન્ટન્ટે તેમના બોસની સૂચના મુજબ દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જો કે થોડા સમય બાદ કંપનીના માલિક સાથે વાત થતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે સાયબર માફિયાઓએ કૌભાંડ આચર્યું હતું. જેથી આ અંગે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.