અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2022થી ગુમ ત્રણ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયા, બે આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ અને એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે એક સફળ સંયુક્ત ઓપરેશન પાર પાડીને જુલાઈ 2022થી સોલા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા સગીર સહિત કુલ ત્રણ બાળકોને ગોધરાના નવા નદીસર ગામથી મુક્ત કરાવ્યા છે. બાળકોનું અપહરણ કરી, તેમને માત્ર 10 હજાર રૂપિયામાં વેચી પશુપાલન અને મજૂરીકામ માટે ગોંધી રાખવાના આ ગંભીર કૌભાંડમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
10 હજાર રૂપિયામાં વેચી ઢોરમાર મારી કરાવતા હતા કામ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જુલાઈ 2022માં સોલા બ્રિજ/હેબતપુર નજીકથી આશરે 13થી 14 વર્ષના સગીરનું રાત્રિના સમયે અપહરણ કરવામાં આવ્યું હતું, જે અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ગુમ બાળકોને શોધવાની વિશેષ ઝુંબેશ દરમિયાન ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી. મુખ્ય આરોપી દિનેશ ઓડે પોતાની મારુતિ ઈકો કારમાં બાળકનું અપહરણ કરી, ગોધરા નજીકના નવા નદીસર ગામના ભરત ભરવાડને 10 હજાર રૂપિયામાં વેચી દીધો હતો. આરોપી ભરત ભરવાડ આ માસૂમ બાળક પાસે પશુપાલન અને ઘરકામ કરાવતો હતો. બાળકે અગાઉ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને નિર્દયતાપૂર્વક ઢોરમાર મારી ગોંધી રખાતો હતો.
અન્ય બે બાળકો પણ મુક્ત કરાવાયા
હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે દરોડો પાડીને પોલીસે સોલાના બાળક ઉપરાંત ત્યાંથી બાળમજૂરી કરી રહેલા અન્ય 2 સગીરો (ઉંમર 16 થી 17 વર્ષ)ને પણ મુક્ત કરાવ્યા હતા. આ બે બાળકોમાંથી એક વડોદરાનું અને એક સ્થાનિક ગામનું હતું.
બાળકોને વાલીઓને સોંપાયા, કાનૂની કાર્યવાહી શરૂ
પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય બાળકોને તેમના પરિવારજનોને હેમખેમ સોંપી દીધા છે. સોલાના બાળકની માતા હયાત ન હોવાથી અને પિતા માનસિક અસ્વસ્થ હોવાથી તેને પિતરાઈ કાકા/મોટા બાપાને સોંપવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ દિનેશ ઓડ અને ભરત ભરવાડને સોંપાઈને સોલા પોલીસ સ્ટેશન મારફતે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




