Ahmedabad

અમદાવાદ: એસ.જી.હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દંપતીનો હંગામો, મહિલા કોન્સ્ટેબલને બચકું ભર્યું

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના SG હાઈવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દંપતીએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. જગમાલ વાઘેલા અને ટીન્કલબહેને અગાઉના કેસની નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ટીન્કલબહેને મહિલા કોન્સ્ટેબલને બચકું ભર્યું, જ્યારે જગમાલે કોન્સ્ટેબલ પર થૂંકી એટ્રોસિટીની ધમકી આપી. પોલીસે દંપતી સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: એસ.જી.હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં દંપતીનો હંગામો, મહિલા કોન્સ્ટેબલને બચકું ભર્યું

Ahmedabad News: અમદાવાદના એસ.જી.હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કાયદાનું પાલન કરાવતી પોલીસ ટીમ પર જ એક દંપતીએ હુમલો કરી ભારે હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ નોંધાયેલા એક ગુના સંબંધિત કલમ 35(3) મુજબની નોટિસ બજવણી વેળાએ ઉશ્કેરાયેલા જગમાલ વાઘેલા અને તેની પત્ની ટીન્કલબહેને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન ટીન્કલબહેને ફરજ પર હાજર મહિલા કોન્સ્ટેબલના હાથમાં બચકું ભરી લીધું હતું, જ્યારે જગમાલે કોન્સ્ટેબલ લાભુના શર્ટ પર થૂંકી ‘એટ્રોસિટીમાં ફસાવી દેવાની’ ધમકી આપી ગાળાગાળી કરી હતી. આ મામલે એસ.જી.હાઇવે 1 ટ્રાફિક પોલીસે દંપતી સામે સરકારી ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

PIની ચેમ્બરમાં પણ નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો

મળતી માહિતી અનસાર, એસ.જી.હાઇવે 1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન સ્કોડમાં પોલીસ કોન્સ્ટેબલ લાભુ સહિતનો સ્ટાફ ફરજ પર હાજર હતો. આ દરમિયાન અગાઉ નોંધાયેલા એક ગુના સંદર્ભે હાજર રહેલા આરોપી જગમાલ વાઘેલા તથા તેનાં પત્ની ટીન્કલબહેનને બીએનએસએસ/સીઆરપીસી કલમ 35(3) મુજબની નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહિલા પોલીસકર્મી ભૂમિકાબહેને દંપતીને નોટિસમાં સહી કરવા જણાવતાં તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બંને પી.આઈ.ની ચેમ્બરમાં પહોંચ્યા હતા, જ્યાં પી.આઈ.ની હાજરીમાં પણ નોટિસ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પી.આઈ.એ સરનામું આપવા જણાવતાં તેણે ઓળખપત્ર ધરી ‘આ સરનામે મોકલી આપજો, હું નોટિસ નહીં સ્વીકારું’ તેમ કહી ચેમ્બર બહાર નીકળી ગયા હતા.

પોલીસકર્મી પર થૂંકી બચકું ભરી લીધું

ત્યારબાદ પોલીસ સ્ટાફ અન્ય એક ગુનાના આરોપીના ફિંગરપ્રિન્ટ લેવા માટે બહાર નીકળ્યો ત્યારે દંપતીએ ફરી તેની સાથે માથાકૂટ શરૂ કરી હતી. આવેશમાં આવી ગયેલા જગમાલે કોન્સ્ટેબલ લાભુના શર્ટ પર થૂંકીને કહ્યું હતું કે, 'એટ્રોસિટી માટે તૈયાર રહેજો, તમે મને ઓળખતા નથી, મારા વિશે ચાંદખેડા અને એલ ટ્રાફિક પોલીસ સ્ટેશને પૂછી લેજો.' આ દરમિયાન દંપતી જોરજોરથી અપશબ્દો બોલવા લાગતાં દોડી આવેલાં મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબહેને ટીન્કલબહેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ટીન્કલબહેને મહિલા કોન્સ્ટેબલના હાથમાં જોરથી બચકું ભરી લીધું હતું. આખરે પોલીસે પરિસ્થિતિ વણસતી અટકાવવા જરૂરી બળ વાપરી બંનેને કાબૂમાં લીધા હતા અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.