અમદાવાદ: સાણંદના ડરણ ગામમાં રસ્તાના વિવાદમાં એક જ પરિવારના બે જૂથો વચ્ચે અથડામણ, 4 લોકો ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Family Clash In Sanand: અમદાવાદના સાણંદ તાલુકાના ડરણ ગામમાં બુધવારે (પાંચમી જુલાઈ) રસ્તાના મામલે એક જ પરિવારના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલી આ લોહિયાળ ઝઘડામાં ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી બે લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, રસ્તાના જૂના વિવાદને લઈને એક જ પરિવારના બે પક્ષો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકતાં બંને જૂથોએ એકબીજા પર લાકડીઓ તેમજ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન સ્થળ પર ઊભેલા લોકોને ટ્રેક્ટર વડે કચડી નાખવાનો કથિત પ્રયાસ પણ કરાયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. બનાવ અંગે જાણ થતાં જ ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે આ ઘટના સંદર્ભે ચાર લોકોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે વધારાનો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવાયો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









