Ahmedabad

અમેરિકાના ફેક ઈ-વિઝા બતાવી અમદાવાદના વેપારી સાથે 80 લાખની ઠગાઈ, 6 શખસો સામે ફરિયાદ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વેપારીના પુત્ર-પુત્રવધૂને 4 દિવસમાં અમેરિકા મોકલવાના બહાને 6 શખસોએ 80 લાખની છેતરપિંડી આચરી છે. કલોલના 2 એજન્ટો અને ઈન્સ્ટાગ્રામ ટોળકીએ બોગસ વિઝા-એર ટિકિટ બતાવી પૈસા પડાવ્યા. નાના ચિલોડાના જીતેન્દ્ર પટેલે ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના ફેક ઈ-વિઝા બતાવી અમદાવાદના વેપારી સાથે 80 લાખની ઠગાઈ, 6 શખસો સામે ફરિયાદ

US Visa Scam: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ડાય કાસ્ટિંગની ફેક્ટરી ધરાવતા 52 વર્ષીય વેપારીના પુત્ર અને પુત્રવધૂને માત્ર ચાર જ દિવસમાં ઈ-બિઝનેસ વિઝા પર અમેરિકા (USA) મોકલી આપવાના બહાને કલોલના બે એજન્ટો અને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલી ટોળકીએ બોગસ વિઝા અને એર ટિકિટ બતાવી 80 લાખ રૂપિયા પડાવી લઈ છેતરપિંડી આચરી છે. સમગ્ર મામલે ભોગ બનનાર વેપારીએ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં કલોલના બે યુવકો સહિત કુલ 6 શખસો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

1.15 કરોડમાં સોદો નક્કી કરી અસલ પાસપોર્ટ મેળવ્યા

મળતી માહિતી અનુસાર, નાના ચિલોડા ખાતે રહેતા અને ઓઢવમાં ફેક્ટરી ચલાવતા જીતેન્દ્ર પટેલે તેના પુત્ર જીલ અને પુત્રવધૂ કંચનબહેનને અમેરિકા મોકલવા માટે તેના સાળા મારફતે સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ આઈડી ચલાવતા સુખબિરસિંઘ બાજવા અને તેના માણસો સાથે મેમકો ઓમનગર ફાટક પાસે એક મીટિંગ યોજાઈ હતી. જેમાં કલોલના શિવેન બારોટ અને જય બારોટે વેપારીના પુત્ર-પુત્રવધૂને ચાર દિવસમાં ઈ-બિઝનેસ વિઝાથી અમેરિકા મોકલવા માટે કુલ 1.15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો અને બંનેના અસલ પાસપોર્ટ મેળવી લીધા હતા.

આંગડિયા મારફતે 80 લાખ જમા કરાવાયા, ઓનલાઈન ચેકિંગમાં વિઝા ફેક નીકળ્યા

ત્યારબાદ આરોપીઓએ વિઝા પ્રોસેસિંગના બહાને બાપુનગર ખાતે આવેલી આંગડિયા પેઢીમાં નાણાં જમા કરાવવા જણાવ્યું હતું. ફરિયાદીએ સગા-સંબંધીઓ પાસેથી નાણાં એકઠા કરીને છઠ્ઠી નવેમ્બર 2023ના રોજ 55 લાખ રૂપિયા અને સાતમી નવેમ્બર 2023ના રોજ 25 લાખ રૂપિયા મળીને કુલ 80 લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીઓએ વોટ્સએપ પર પીડીએફ ફોર્મેટમાં ઈ-વિઝા મોકલ્યા હતા. જોકે, તેની ઓનલાઈન ચકાસણી કરતા તેમાં દર્શાવેલ મોબાઈલ નંબર અને ઈમેલ અન્ય જ વ્યક્તિના હોવાથી વિઝા તદ્દન બનાવટી હોવાનું ખુલ્લું પડ્યું હતું. આ ઉપરાંત વોટ્સએપ પર મોકલેલી ફ્લાઈટ ટિકિટ પણ માત્ર એક એપ્લિકેશનમાં જ શૉ થતી હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ અને સુરતના આંગડિયામાંથી રકમ ઉપાડી આરોપીઓ છૂ થઈ ગયા

પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો એહસાસ થતાં વેપારીએ નાણાં પરત માંગતા આરોપીઓ વાયદા કરવા લાગ્યા હતા. બાદમાં તપાસ કરતા સામે આવ્યું હતું કે બાપુનગરમાં જમા કરાવેલા નાણાં પૈકી 55 લાખ રૂપિયા રાજકોટની રૈયા રોડ શાખામાંથી જય બારોટના નામે અજાણ્યો શખ્સ તથા સુરતની સરથાણા શાખામાંથી 25 લાખ રૂપિયા અન્ય અજાણ્યો શખસ ઉપાડી ગયો હતો. ઠગાઈનો ભોગ બનેલા જીતેન્દ્ર પટેલે અંતે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કલોલના બે એજન્ટો સહિત 6 સભ્યોની ટોળકી સામે આકરા પગલાં ભરવાની તજવીજ શરૂ કરી છે.