Ahmedabad

અમદાવાદ: બિલ્ડિંગ મટીરિયલ કંપનીના કર્મચારીએ પત્ની અને કાકા સાથે મળી 1.45 કરોડની ઉચાપત કરી, નોંધાઈ ફરિયાદ

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં RMC કંપનીના નામે બોગસ બિલ બનાવી 1.45 કરોડની ઉચાપતનો પર્દાફાશ થયો છે. પ્લાન્ટ ઇન્ચાર્જ ભાવિક શાહ, તેની પત્ની ખુશ્બુ અને કાકા મનોજ શાહ સામે સેટેલાઇટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ગ્રાહકોના નાણાં અંગત ખાતામાં ડાયવર્ટ કરી, બનાવટી સહીવાળી પહોંચ રજૂ કરી લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બિલ્ડિંગ મટીરિયલ કંપનીના કર્મચારીએ પત્ની અને કાકા સાથે મળી 1.45 કરોડની ઉચાપત કરી, નોંધાઈ ફરિયાદ

Ahmedabad Crime News: અમદાવાદની એક રેડી-મિક્સ કોંક્રિટ (RMC) અને બાંધકામ કંપનીના નામે કથિત રીતે બોગસ બિલ તથા વાઉચર બનાવી તેમજ ગ્રાહકોના નાણાં પોતાના અંગત ખાતામાં ડાયવર્ટ કરીને 1.45 કરોડ રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં એક કર્મચારી, તેની પત્ની અને કાકા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણો શું છે મામલો

આ મામલે કંપનીના ડિરેક્ટર અંકિત શાહ દ્વારા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેસમાં આરોપી તરીકે કંપનીના જ પ્લાન્ટ ઇન્ચાર્જ અને સેલ્સ એક્ઝિક્યુટિવ ભાવિક શાહ, તેની પત્ની ખુશ્બુબહેન શાહ અને કાકા મનોજ શાહના નામ દર્શાવવામાં આવ્યા છે.

ફરિયાદ અનુસાર, ભાવિક કંપનીમાં ગ્રાહકો પાસેથી ઓર્ડર લેવા અને પેમેન્ટ એકત્રિત કરવાની કામગીરી સંભાળતો હતો. જૂન મહિનામાં રાજા નામના એક ગ્રાહકે બાકી નીકળતી રકમ અંગે કંપનીના ડિરેક્ટર સાથે વાતચીત કરી ત્યારે આ કથિત ગેરરીતિનો ઘટસ્ફોટ થયો હતો. આંતરિક ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું કે, કંપનીના નામે બિલ બનાવીને નાણાં અંગત લાભ માટે ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જે કથિત રકમ 99.41 લાખ રૂપિયા થતી હતી.

આ ઉપરાંત, કંપનીના માલસામાનનું બિલ અન્ય પેઢીઓના નામે બનાવી વેચાણ કરીને પણ રકમ ચાંઉ કરી લેવાઈ હોવાનો આરોપ છે. 'એફિનિટી બિલ્ડકોન' અને 'એસક્યુએસ/પ્રોફિશિયન્ટ' સાથે સંકળાયેલા વ્યવહારોમાં 27.74 લાખ રૂપિયા ડાયવર્ટ કરાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બનાવટી સહી વાળી પહોંચ રજૂ કરી હતી

ફરિયાદીનો આરોપ છે કે ભાવિકે છારોડી સ્થિત એક ફ્લેટ માટે બિલ્ડરને ચુકવણી કરવાના બહાને 10 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે, તેણે બિલ્ડરની કથિત બનાવટી સહી વાળી પહોંચ રજૂ કરી હતી. બિલ્ડરે બાદમાં આવી કોઈ રકમ ન મળી હોવાનું અને સહી બનાવટી હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

કંપનીએ શરૂઆતમાં ઉચાપતનો આંકડો ₹1.37 કરોડ અંદાજ્યો હતો. તે સમયે ખુશ્બુબહેન અને મનોજ શાહે નાણાં પરત કરવાની ખાતરી આપી ફ્લેટ ટ્રાન્સફર કરવાની ઓફર કરી હતી. ફ્લેટ પરની ₹16.71 લાખની બેંક લોન ભરવા માટે તેમણે ફરિયાદી પાસેથી કુલ ₹8.40 લાખ મેળવ્યા હતા. આરોપીઓએ ફ્લેટનું દસ્તાવેજી કામ કર્યું પરંતુ બેંકમાંથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપ્યું નહોતું અને લોનના હપ્તા પણ ભર્યા ન હોવાનું બહાર આવ્યું હતું.

આ તમામ વ્યવહારો મળીને કુલ 1.45 કરોડ રૂપિયાની ઉચાપત થઈ હોવાનો દાવો કરાયો છે. આ સિવાય, ભાવિક કંપની પાસેથી પગાર મેળવતો હોવા છતાં ગુપ્ત રીતે મનોજ શાહની કંપની માટે કામ કરતો હતો અને કમિશન મેળવતો હોવાનો પણ આરોપ છે. હેલ સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.