Ahmedabad

અમદાવાદ: નાના ચિલોડા નજીક ₹55 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગલુરુનો યુવક ઝડપાયો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નાના ચિલોડા સર્કલ પાસેથી નરોડા પોલીસે 24 વર્ષીય યુવકની ₹55.50 લાખના 1.85 કિલોગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. કર્ણાટકના બેંગલુરુનો નિખીલેશ નામનો આ યુવક નાઇજિરિયન ફ્રેન્કના કહેવાથી ચંદીગઢથી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવ્યો હતો. પોલીસે 55.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નાના ચિલોડા નજીક ₹55 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બેંગલુરુનો યુવક ઝડપાયો

Ahmedabad Drug Seizure: અમદાવાદના નાના ચિલોડા સર્કલ પાસે આવેલી ચામુંડા ટાયરની દુકાન સામે જાહેર રોડ પરથી નરોડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને કર્ણાટકના બેંગલુરુના 24 વર્ષીય યુવકની અટકાયત કરી છે. તેની પાસેથી ₹55.50 લાખની કિંમતનું 1.85 કિલોગ્રામ (1850 ગ્રામ) ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

બે પેકેટમાંથી કુલ 1850 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું

મળતી માહિતી અનુસાર, નરોડા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ગ્રે જીન્સ અને સફેદ શર્ટ પહેરેલો એક શખસ થેલામાં નશાકારક પદાર્થ લઈને નાના ચિલોડા સર્કલથી નાના ચિલોડા ચાર રસ્તા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે નિષ્પક્ષ પંચોને સાથે રાખી ચામુંડા ટાયર સામે રોડ પર ગોઠવેલી વોચ દરમિયાન શંકાસ્પદ યુવકને ઘેરીને ઝડપી લીધો હતો.

સ્થળ પર જ પ્રાથમિક કેમિકલ ટેસ્ટ કિટ વડે પરીક્ષણ કરતા સદર પદાર્થ 'મેફેડ્રોન' હોવાનું ખૂલ્યું હતું. ડિજિટલ કાંટાથી વજન કરતા બે પેકેટમાંથી કુલ 1850 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ અને અન્ય સામાન મળીને કુલ 55.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કામગીરીનું 'ઇ-સાક્ષ્ય' (e-Sakshya) એપ્લિકેશન મારફતે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

એક ફેરાના ₹1 લાખ આપવાની લાલચ અપાઈ હતી

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ નિખીલેશ અને પોતે બેંગલુરુનો નિવાસી હોવાનું જણાવ્યું છે. પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાત મુજબ, બેંગલુરુમાં રહેતા 'ફ્રેન્ક' નામના નાઇજિરિયન શખસે તેને નાણાકીય લાલચ આપીને એક ફેરાના 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. ફ્રેન્કના કહેવાથી તે ચંદીગઢ ગયો હતો, જ્યાં કાળી XUV 700 કારમાં આવેલા બે અજાણ્યા નાઇજિરિયનો પાસેથી તેણે મેફેડ્રોનનો આ જથ્થો મેળવ્યો હતો. આ જથ્થો લઈને તે બેંગલુરુ જઈ ફ્રેન્કને સોંપે તે પહેલાં જ અમદાવાદમાં નરોડા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.