VIDEO: અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો, પૂછપરછમાં JCPને છરી મારી, આરોપીને પગમાં ગોળી ધરબાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાંથી એક ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમે એક રીઢા આરોપીની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર આરોપીએ અચાનક જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાની ઘટનામાં JCPને ઈજા પહોંચી હતી. બીજી તરફ, પોલીસના વળતા પ્રહારમાં ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો
મળતી પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ વધુ પૂછપરછ માટે ચંડોળા તળાવ પહોંચી હતી. આ દરમિયાન JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો કરી દીધો. જેમાં સ્થિતિ બેકાબૂ બનતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તાત્કાલિક વળતી કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગી હતી.

JCP ઈજાગ્રસ્ત, વળતી કાર્યવાહીમાં આરોપીને વાગી ગોળી
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા JCPને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને પણ પોલીસ બંદોબસ્ત હેઠળ હોસ્પિટલ લઈ જવાયો છે. હાલ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
ગેરકાયદે હથિયારો રાખવા અંગેની બાતમીના આધારે, અમદાવાદના ઈસનપુરના રહેવાસી અને 37 ગુનાનો ઈતિહાસ ધરાવતા હિસ્ટ્રીશીટર કલીમ નામના રીઢા ગુનેગારને ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી 4 ગેરકાયદે હથિયારો પણ જપ્ત કરાયા હતા. આરોપીની ધરપકડ બાદ તેને સત્તાવાર પૂછપરછ માટે લવાયો હતો, જ્યાં જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) ક્રાઈમ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા તેની પૂછપરછ કરાઈ રહી હતી. આ દરમિયાન આરોપી અચાનક અત્યંત હિંસક બની ગયો હતો અને પૂછપરછ કરી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની પાસે સંતાડી રાખેલું ચપ્પુ (છરો) કાઢીને JCP પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
આ દરમિયાન તાત્કાલિક ખતરાને પહોંચી વળવા JCP એ તેમની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી કલીમના પગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પોલીસ અધિકારી અને આરોપી બંનેને તાત્કાલિક તબીબી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા કલીમ મારામારી, ચોરી અને ગેરકાયદે હથિયારો રાખવાના કુલ 9 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત પાસામાં એક તથા અન્ય પાંચ ગુનામાં તેની સામે અટકાયતી પગલાં પણ લેવાયા હતા.
JCPએ કહ્યું કે-
આરોપીને ખબર ન હતી કે હું JCP ક્રાઈમ છું, તેથી મહેરબાની કરીને એવા સમાચાર ન બનાવશો કે આરોપીમાં JCP ક્રાઈમ પર હુમલો કરવાની આટલી હિંમત આવી ગઈ. હું સાદા કપડામાં હતો અને તેની તલાશી પહેલેથી જ પૂરી થઈ ગઈ હતી, પરંતુ તે ડ્રગ્સના નશામાં હતો એટલે તેણે બાજુમાં પડેલો રસોડાનો ચપ્પુ ઉઠાવીને મારા પર હુમલો કરી દીધો. આ હુમલામાં મને ડાબા હાથમાં ઈજા થઈ, પરંતુ સ્વબચાવમાં મેં પણ તરત જ તેના પગ પર ગોળી ચલાવી દીધી હતી.
વધુમાં JCPએ કહ્યું કે-
ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બતાવતા PIને માહિતી હતી કે, કલીમ નામના એક હિસ્ટ્રીશીટર ગુનેગાર ચંડોળાનો રહેવાસી છે. જેમાં આરોપીએ ચંડોળામાં એક ઝૂંપડામાં ચાર હથિયાર છુપાવીને રાખ્યા છે. બાતમીના આધારે PI સહિતની ટીમે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ચાર વેપન અને કારતુસ મળી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ઈ-સાક્ષી પંચનામું પણ કર્યું. આ કામગીરી દરમિયાન હું આ વિસ્તારમાંથી જતો હોવાથી હું પણ સ્થળ પર પહોંચ્યો હતો. સ્વાભાવિક છે કે અમે જ્યારે એની પૂછપરછ કરતા હતા, ત્યારે એની બાજુમાં રસોડામાં પડેલી છરી(ચપ્પુ)થી એણે મારા ઉપર હમલો કર્યો હતો. જેમાં આરોપીએ મારી ગરદન પાસે એટેક કરવાની કોશિશ કરી, એટલે સ્વાભાવિક રીતે મારી બોડીના રિએક્શન તરીકે મેં મારો ડાબો હાથ ઉપર કર્યો અને ત્યાં એણે ચપ્પુથી હુમલો કર્યો. આ પછી આરોપી ખૂબ જ એગ્રેસિવ થઈ ગયો હતો. એવી પણ જાણવા મળ્યું છે કે, એણે ડ્રગ્સ લીધેલું હતું અને ડ્રગ્સના નશામાં હતો. પછી અમે એને કીધું કે તું ચપ્પુ ફેંકી દે, પણ એ માન્યો નહીં. આથી PIની સર્વિસ રિવોલ્વરથી આરોપીના પગમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું. આરોપી વિરૂદ્ધમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. એક ચાર વેપન માટે આર્મ્સ એક્ટનો કેસ અને બીજો કલમ 307 (હાફ મર્ડર)નો ગુનો દાખલ કર્યો છે.









