Ahmedabad

પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર જ ચાલતી હતી ફટાકડાની દુકાનો!: કાલુપુરમાં 30 દુકાન સીલ, 3 દિવસનું અલ્ટીમેટમ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં એસ્ટેટ વિભાગે આશરે 30 ફટાકડાની દુકાનો સીલ કરી છે. વસ્ત્રાલ બ્લાસ્ટ બાદ પણ ગેરકાયદેસર ધમધમતી આ દુકાનો સામે કાર્યવાહી કરાઈ. દુકાનદારોને BU, ફાયર, પોલીસ અને એક્સપ્લોઝિવ સંબંધિત પરવાનગીના પુરાવા 3 દિવસમાં રજૂ કરવા નોટિસ અપાઈ છે. પુરાવા રજૂ ન થાય તો દુકાનો બંધ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર જ ચાલતી હતી ફટાકડાની દુકાનો!: કાલુપુરમાં 30 દુકાન સીલ, 3 દિવસનું અલ્ટીમેટમ

Ahmedabad Kalupur Firecracker Shop Sealing: અમદાવાદના વસ્ત્રાલ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ ફાયર અને એસ્ટેટ વિભાગે શહેરમાં ફટાકડાની દુકાનો, ગોડાઉન અને ફેક્ટરીઓ સામે સીલિંગ સહિતની કાર્યવાહી કરી હતી. જોકે, સમય જતાં ફરીથી શહેરના કેટલાક વિસ્તારોમાં ફટાકડાની દુકાનો ધમધમતી જોવા મળી રહી છે. આવી સ્થિતિ વચ્ચે મધ્ય ઝોનના કાલુપુર વિસ્તારમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આશરે 30 ફટાકડાની દુકાનો સીલ કરી છે.

પુરાવા ત્રણ દિવસમાં રજૂ કરવા માટે નોટિસ

કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફ જતા રોડ પર ફટાકડાની દુકાનો ચાલી રહી હોવાની માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું છે. સીલ કરાયેલી દુકાનોના સંચાલકોને BU, ફાયર, પોલીસ તેમજ એક્સપ્લોઝિવ સંબંધિત જરૂરી પરવાનગીઓના પુરાવા ત્રણ દિવસમાં રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

image.png

મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે-

કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફના રોડ પર ફટાકડાની દુકાનો ચાલી રહી હોવાની માહિતી મળી હતી. તેના આધારે આશરે 30 દુકાનો સીલ કરવામાં આવી છે. દુકાનદારોને ત્રણ દિવસમાં જરૂરી પુરાવા રજૂ કરવા જણાવાયું છે. જો દુકાનદારો ફટાકડાનો વેપાર કરતા ન હોય અને અન્ય કોઈ વેપાર કરતા હોય તો જરૂરી પ્રક્રિયા બાદ દુકાનો ખોલી આપવામાં આવશે.

કાર્યવાહી બાદ પણ નિયમિત ચકાસણી સામે સવાલ

વસ્ત્રાલની ઘટનાના પગલે અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં ફટાકડાની દુકાનો, ગોડાઉન અને ફેક્ટરીઓની ચકાસણી કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, કાલુપુરમાં ફરી ફટાકડાની દુકાનો શરૂ થઈ હોવાની માહિતી મળ્યા બાદ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ સવાલ એ ઊભો થાય છે કે, અગાઉની કાર્યવાહી બાદ આવી દુકાનોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી હતી કે નહીં?, ફરીથી ફટાકડાનો વેપાર શરૂ થયો હોવાની જાણકારી વિભાગને ક્યારે થઈ?

WhatsApp Image 2026-09-30 at 5.21.22 PM (2).jpeg

ભરચક બજારમાં ફટાકડાની દુકાનો, દુર્ઘટનાની સ્થિતિમાં જોખમ

કાલુપુરનો આ વિસ્તાર શહેરના સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારો પૈકીનો છે. કાલુપુર દરવાજાથી ટાવર તરફના રોડ પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આવા ભરચક વિસ્તારમાં ફટાકડાનો વેપાર થતો હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જાનમાલના નુકસાનનું જોખમ ઊભું થઈ શકે છે.

વધુમાં, સીલ કરવામાં આવેલી દુકાનો કાલુપુર પોલીસ સ્ટેશનથી માત્ર આશરે 500 મીટરના અંતરે આવેલી હોવાનું જાણવા મળે છે. હવે દુકાન સંચાલકો પાસેથી BU, ફાયર, પોલીસ અને એક્સપ્લોઝિવ સંબંધિત જરૂરી પરવાનગીઓના પુરાવા માંગવામાં આવ્યા છે. ત્રણ દિવસમાં રજૂ થનારા પુરાવા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.