પહેલા રોડ કરો બાદમાં ખાડા ખોદોની 'પરંપરા' હવે બંધ, AMC આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ માટે નવો અભિગમ અપનાવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદ શહેરમાં રોડ બનાવ્યા બાદ વારંવાર ખોદકામ કરવાની સ્થિતિ ન સર્જાય અને રોડ ડેવલપમેન્ટની સાથે અન્ય જરૂરી સુવિધાઓ પણ સુવ્યવસ્થિત રીતે વિકસે તે માટે કોર્પોરેશન દ્વારા આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ માટે નવો સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. રોડનું કામ શરૂ થાય તે પહેલાં જ વોટર, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન, સ્ટ્રીટ લાઇટ અને ગાર્ડન સહિતની કામગીરીનું એકસાથે આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ માટે નવો અભિગમ અપનાવાશે
અત્યાર સુધી શહેરમાં રોડ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, લેન્ડસ્કેપ અને સ્ટ્રીટ લાઇટની કામગીરી અલગ-અલગ વિભાગો દ્વારા અલગ અંદાજ અને ટેન્ડર પ્રક્રિયા મારફતે કરવામાં આવતી હતી. જેના કારણે વિવિધ કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગતો હતો. હવે આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડ ડેવલપમેન્ટ હેઠળ વિવિધ વિભાગોની કામગીરીને એકીકૃત કરીને સંકલિત આયોજન કરવામાં આવશે.
આ આયોજનમાં વોટર, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન જેવી ભૂગર્ભ સુવિધાઓની કામગીરીને સ્ટ્રીટ લાઇટ તથા ગાર્ડન ડેવલપમેન્ટ સાથે સંકલિત રીતે હાથ ધરવામાં આવશે. તેના કારણે રોડનું કામ પૂર્ણ થયા બાદ યુટિલિટી માટે ફરીથી ખોદકામ કરવાની જરૂરિયાત ઘટાડી શકાય તેવી દિશામાં આયોજન કરાયું છે.
1.8 મીટરના કન્ટિન્યુઅસ ફૂટપાથ રહેશે
આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડમાં માત્ર રોડને સુંદર બનાવવાને બદલે સમગ્ર જાહેર જગ્યાના વિકાસ પર ભાર મૂકવામાં આવશે. તેમાં ઓછામાં ઓછા 1.8 મીટર પહોળા કન્ટિન્યુઅસ ફૂટપાથ, પેડેસ્ટ્રિયન ફ્રેન્ડલી સુવિધાઓ અને સુવ્યવસ્થિત પાર્કિંગનો સમાવેશ થશે. રોડ સાથે મિડિયન, પ્લેસ-મેકિંગ એરિયા, ડેકોરેટિવ લાઇટિંગ, સ્કલ્પચર અને જીવંત ટોપિયરી જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
ફાઉન્ટેન, ગ્રીનરી અને સેલ્ફી પોઇન્ટ પણ બનશે
આ આયોજનમાં વોટર ફાઉન્ટેન, હાર્ડસ્કેપ પ્લાન્ટેશન, બસ સ્ટેન્ડ, ક્રીપ/ગ્રીનરી ડેવલપમેન્ટ અને સ્પીડ ડાયરેકશન ફેસિલિટીનો પણ સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ફોર-લેન સ્કીમિંગ, સેલ્ફી પોઇન્ટ અને વેન્ડિંગ ડેવલપમેન્ટ એરિયા તેમજ સુરક્ષા અને સ્ટ્રક્ચર સંબંધિત સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
ઇસ્કોન-પકવાન અને એરપોર્ટ-ઇન્દિરા બ્રિજ કોરિડોરનો સમાવેશ
આઇકોનિક/પ્રિ-સેન્ટ રોડની સંકલ્પના હેઠળ મુખ્ય રોડ કોરિડોર તરીકે ઇસ્કોનથી પકવાન રોડ તેમજ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના કોરિડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ વિભાગો અને સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન કરીને યુટિલિટી, ટ્રાફિક, લાઇટિંગ, લેન્ડસ્કેપિંગ, પદયાત્રી સુવિધા અને જાહેર જગ્યાના વિકાસને એક જ આયોજન હેઠળ લાવવામાં આવશે.




